બોલો, કાઉન્સિલરોને અપાતી ભેટ ટેન્ડર વગર ખરીદાશે..!

"આને કહેવાય દલા તરવાડીનો વહીવટ..'

MailVadodara.com - Say-gifts-given-to-councilors-will-be-bought-without-tender

- બજેટ દરમ્યાન તમામ કાઉન્સિલરોને પ્રજાના પૈસે ભેટ અપાય છે, ગત વર્ષે રૂ.૫૬ના લેપટોપ ખરીદી કરવામાં આવી હતી

પારદર્શક વહીવટના દાવા વચ્ચે મળતીયાઓને ફાયદો કરાવવાનો કારસો..?

વડોદરા મહાનગર પાલિકાના શાસકોને બજેટ દરમ્યાન મળતી મોંઘીદાટ ભેટ વગર ટેન્ડરે ખરીદવાની મંજૂરી માંગાવામાં આવી છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમા રજૂ કરવામાં આવી છે.

      પાલિકાનો વહીવટ દલા તરવાડી જેવો ચલાવતા શાસકો હવે અગાઉ થી નિશ્ચિત ખરીદીમાં પણ ટેન્ડર નો બાધ દૂર કરી રહ્યા છે.  પાલિકામાં દર વર્ષે રજૂ થતા બજેટ દરમ્યાન શાસકોને મોંઘીદાટ ભેટ મળે છે. જેમાં બેગ અથવા અન્ય ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે તમામ કાઉન્સિલરો અને કેટલાક અધિકારીઓને લેપટોપ આપવામાં આવ્યા હતા. આ તમામ લેપટોપ ખરીદવા પાછળ રૂપિયા ૫૬ લાખનો ખર્ચ થયો હતો. આ વર્ષે બજેટને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે કાઉન્સિલરોને અપાતી ભેટની ખરીદી કરવાની મંજૂરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. હિસાબી શાખા તરફથી આવેલી  દરખાસ્તમાં મહત્વની બાબત એ છે કે આ દરખાસ્તમાં ટેન્ડર પ્રક્રિયાના બાધમાંથી મુક્તિ માંગવામાં આવી છે. એટલે કે વગર ટેન્ડરે કાઉન્સિલરો માટે ભેટ ખરીદવાની મંજૂરી માંગવામાં આવી છે. અમે તમને જણાવી દઈએ કે વગર ટેન્ડરે ખરીદી ત્યારે જ થાય જયારે કોઈ આકસ્મિક બનાવ અથવા પરિસ્થિત ઉભી થાય. 

જો કે અહીં તો બજેટ દર વર્ષે નિયત સમય પ્રમાણે રજૂ થાય છે જેમાં અગાઉ થી અપેક્ષિત હોવા છતાં ટેન્ડર પ્રક્રિયાનો બાધ દૂર કરવાની મંજૂરી માંગવામાં આવી છે. તો શું કોઈ મળતીયા પાસેથી ખરીદી કરવાનો તખતો ગોઠવાઈ ગયો છે ? શું પાલિકાનો વહીવટ દલા તરવાડી જેવો ચાલે છે ?  નૈતિકતા ના ધોરણે સ્થયી સમિતિ આ દરખાસ્ત પરત મોકલી ટેન્ડર આધારિત ખરીદી કરવાનો આદેશ કરશે  ? આવા ઘણા સવાલો પાલિકાના શાસકો સામે ઉભા થાય છે. એક અધિકારીએ નામ નહીં આપવાની શરતે  જણાવ્યું હતું કે આ દરખાસ્ત ભલે રજૂ થઈ હોય પરંતુ આ વર્ષે કદાચ ખરીદી ના પણ થાય.. ખેર, પ્રજાના પૈસે  'તાડગ ધીન્ના' કરતા શાસકો જયારે એમની સવલતો, સુવિધાઓની વાત આવે ત્યારે એકીસુરે "હમ સાથ સાથ હૈ" ના નારા લગાવતા ખચકાતા નથી. આવા સમયે કોંગ્રેસને પણ ભાજપ ગમી જાય છે.

Share :

Leave a Comments