- દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરી હતી, દરમિયાન આરોપીએ જામીન ઉપર બહાર આવ્યા બાદ પુનઃ સગીરા સાથે દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની હતી
વડોદરાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની નવીનગરીમાં રેહતા વિનોદ હરમાનભાઇ રાઠોડીયા સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચર્યું હતું. નોંધનીય છે કે, આરોપી જામીન ઉપર બહાર આવ્યા બાદ પુનઃ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરા ગર્ભવતી બની ગઇ હતી. આ કેસ સાવલી પોક્સો કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી 20 વર્ષની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, વર્ષ 2023 માં આરોપી વિનોદ રાઠોડીયા સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. મંજુસર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. દરમિયાન તે જામીન પર બહાર આવ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ આરોપી વિનોદ પુનઃ સગીરાને ભગાડી ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીરા ગર્ભવતી બની હતી. આ દરમિયાન પોલીસે તેની પુનઃ ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો હતો.
આ કેસ સાવલી પોક્સો કોર્ટમા ચાલી જતાં જજ જે. એ. ઠક્કરે આરોપી વિનોદ રાઠોડીયાને 20 વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો હતો. અને રૂપિયા 1 લાખનો દંડ ભરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત આરોપી જે દંડની રકમ અદાલતમાં જમા કરાવે તે રકમ ભોગ બનનારને ચૂકવવામાં હુકમ કરેલ છે. તેમજ ગુજરાત વિક્ટીમ કોમ્પનસેસન સ્કીમ મુજબ રૂપિયા 4 લાખનું વળતર ભોગ બનનારને અલગથી ચૂકવી આપવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરેલ છે.