- કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 50,000નો દંડ ભરવાનો હુકમ કર્યો
સાવલીના ચકચારી દુષ્કર્મ કેસમાં આજે સાવલીની પોકસો કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. ફેબ્રુઆરી-2021માં હવસખોર સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ અંગેની માહિતી આપતા સરકારી વકીલ સી. જે. પટેલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરી 2021માં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામનો રહેવાસી બિપીન ગોકળદાસ બારીયા 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હતો અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.
આ ચકચારી બનાવ અંગેની ફરિયાદ ભાદરવા પોલીસ મથકમાં નોંધાઈ હતી. સાવલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ગણતરીના દિવસોમાં આરોપી સામે ચાર્જશીટ તૈયાર કરી પોક્સો કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ સાવલીની પોક્સો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ભરવાનો હુકમ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે આરોપી દ્વારા દંડની જે રકમ ભરવામાં આવે તે પીડીતાને વળતરરૂપે ચૂકવવા તેમજ ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસીસને પિડિતાને રૂપિયા 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.