બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે સતીષ પટેલ અને ઉપપ્રમુખ તરીકે જી. બી. સોલંકી ચૂંટાયા

ભાજપા દ્વારા આપવામાં આવેલા મેન્ડેડને તમામ ડિરેક્ટરોએ સ્વિકારી લીધું

MailVadodara.com - Satish-Patel-as-president-for-the-next-two-and-a-half-years-in-Baroda-Dairy-and-as-vice-president-G-B-Solanki-was-elected

- પ્રમુખ-ઉપપ્રમુખ માટે તા. 24 જુનના રોજ ચૂંટણી યોજાઇ હતી, બરોડા ડેરી ખાતે મોટી સંખ્યામાં ડિરેક્ટરોના સમર્થકો આવી પહોંચ્યા


જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપ્રમુખ માટે ભાજપા દ્વારા પ્રમુખ તરીકે સતીષ પટેલ નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીના નામનું મેન્ડેડ આપવામાં આવ્યું હતું. ભાજપા દ્વારા આપવામાં આવેલા મેન્ડેડનો તમામ 11 ડિરેક્ટરો દ્વારા સ્વિકારી લેવામાં આવતા તેઓને ચૂંટણી અધિકારી દ્વારા તેઓને બિન હરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

આજે બરોડા ડેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપા દ્વારા બે માસ પહેલાં જિલ્લા ભાજપા પ્રમુખને બરોડા ડેરીના પ્રમુખ તરીકે સતીષ પટેલ (નિશાળીયા)ને જવાબદારી સોંપવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ તરીકે કોંગ્રેસ છોડી ભાજપામાં આવી ગયેલા કોંગ્રેસના ડિરેક્ટર ક્રિપાલસિંહ મહારાઉલને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, તેઓને કાપીને ભાજપા દ્વારા પુનઃ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકીને જવાબદારી સોંપવામાં આવતા સહકારી ક્ષેત્રમાં સોંપો પડી ગયો હતો.


મળેલી માહિતી પ્રમાણે ભાજપા દ્વારા તા. 1લી જુલાઇના રોજ લેવામાં આવેલા સેન્સમાં 11 જેટલા ડિરેક્ટરોએ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકીને ડિરેક્ટર બનાવવા માટે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તે સાથે રવિવારે વડોદરામાં એક ધાર્મિક કાર્યક્રમમાં આવેલા પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટીલે પણ ડિરેક્ટરો સાથે ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખને પણ મોટાભાગના ડિરેક્ટરોએ જી.બી. સોલંકીને પ્રમુખ બનાવવા માટે રજૂઆત કરી હતી. જોકે, ભાજપા દ્વારા તેઓને ઉપપ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

દરમિયાન આજે બરોડા ડેરી ખાતે ચૂંટણી અધિકારીની ઉપસ્થિતીમાં હાથ ધરાયેલી ચૂંટણી પ્રક્રિયામાં ભાજપા દ્વારા પ્રમુખ તરીકે સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીના નામનું મેન્ડેડ મોકલ્યું હતું. ભાજપા દ્વારા આપવામાં આવેલા મેન્ડેડને તમામ ડિરેક્ટરોએ સ્વિકારી લીધું હતું. હરીફ ડિરેક્ટરો દ્વારા પણ કોઇ ઉમેદવારી કરવામાં ન આવતા ચૂંટણી અધિકારીએ પ્રમુખ તરીકે સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ તરીકે જી.બી. સોલંકીને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા.

નવ નિયુક્ત પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ જણાવ્યું હતું કે, બરોડા ડેરીના વિકાસ માટે પક્ષ દ્વારા અમારા ઉપર જે પુન વિશ્વાસ રાખીને જવાબદારી સોંપી છે. તે વિશ્વાસને અમે તોડીશું. બરોડા ડેરી હંમેશા પશુપાલકોના હિતમાં કામ કરતી આવી છે. અને આવનારા સમયમાં પણ કામ કરીશું. તે સાથે જિલ્લાના ધારાસભ્યો પણ પશુપાલકોના હિતમાં જે સુચનો આવશે તેનો પણ સ્વિકાર કરીશું.


આજે પણ બરોડા ડેરી ખાતે મોટી સંખ્યામાં ડિરેક્ટરોના સમર્થકો આવી પહોંચ્યા હતા. સતીષ પટેલ (નિશાળીયા)ની પ્રમુખ તરીકે વરણી થતાં અને ઉપપ્રમુખ તરીકે પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકીની નિમણૂંક થતાં સમર્થકોએ ભારે આતશબાજી કરી નિમણૂંકને વધાવી લીધી હતી. તે સાથે આગામી અઢી વર્ષ માટે ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને શુભેચ્છાઓ આપી હતી.

બરોડા ડેરી ખાતે યોજાયેલી ચૂંટણીમાં ભાજપાના અગ્રણી ગોરધન ઝડફીયા, સાંસદ રંજનબહેન ભટ્ટ, ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા), સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ભાજપા અગ્રણીઓ, શુભેચ્છકો હાજર રહ્યા હતા. અને નવનિયુક્ત પ્રમુખ સતીષ પટેલ (નિશાળીયા) અને ઉપપ્રમુખ જ બી. સોલંકીને શુભેચ્છા પાઠવી હતી.


ઉલ્લેખનિય છે કે, બરોડા ડેરીના આગામી અઢી વર્ષ માટેના પ્રમુખ-ઉપપ્રમુખ માટે તા. 24 જુનના રોજ ચૂંટણી યોજાઇ હતી. પરંતુ, 11 ડિરેક્ટરો દ્વારા ભાજપા દ્વારા લાવવામાં આવેલા મેન્ડેડનો સ્વિકાર કરવામાં આવ્યો ન હતો. બીજી બાજુ 11 ડિરેક્ટરોના સમર્થન સાથે પૂર્વ પ્રમુખ જી.બી. સોલંકીએ પ્રમુખ તરીકે ઉમેદવારી કરવાની તૈયારી બતાવતા ભાજપાએ પોતાની આબરું બચાવવા માટે સત્તાનો ઉપયોગ કરી ચૂંટણી અધિકારીને બરોડા ડેરી સુધી પહોંચવા દીધા ન હતા. આ દરમિયાન ચૂંટણી અધિકારીએ તા.3 જુલાઇ સુધી મુલતવી રાખી હતી. 

Share :

Leave a Comments