- પોલીસે ફરાર બુટલેગર બંધુઓ વિશાલ અને અક્ષયની ધરપકડ કરી ગામમાં ફેરવીને કાયદાનું ભાન કરાવી અન્ય બુટલેગરોમાં ધાક બેસાડી હતી, જોવા લોકો ટોળે વળ્યાં
વડોદરા નજીક આવેલા શંકરપુરા ગામમાં તાજેતરમાં LCB અને વરણામા પોલીસે ચાલી રહેલી દારૂની હેરાફેરી સમયે રેડ કરી હતી. તે સમયે બુટલેગર સરપંચ અને તેના બે પુત્રોએ LCB ઉપર હુમલો કર્યો હતો. આ બનાવમાં પોલીસે ફરાર બુટલેગર બંધુઓની ધરપકડ કરી ગામમાં ફેરવીને કાયદાનું ભાન કરાવી અન્ય બુટલેગરોમાં ધાક બેસાડી હતી.
આ બનાવની વિગત એવી છે કે, તાજેતરમાં એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, શંકરપુરા ગામમાં બુટલેગર સરપંચ મહેશ ગોહિલ અને તેના બે પુત્રો અક્ષય ગોહિલ અને વિશાલ ગોહિલ દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે. જે બાતમીના આધારે વરણામા પોલીસ મથકના પીએસઆઇ વી. જી. લાબરીયા ટીમ સાથે પહોંચી ગયા હતા.
એલસીબી અને વરણામા પોલીસ પહોંચતા જ રોષે ભરાયેલા બુટલેગર પિતા અને પુત્રોએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસ જવાનને ઇજા પહોંચી હતી. જેતે સમયે પોલીસે બુટલેગર સરપંચ મહેશ ગોહિલને ઝડપી પાડ્યો હતો. જ્યારે તેના બે પુત્રો વિશાલ અને અક્ષય ફરાર થઇ ગયા હતા.
આ દરમિયાન 1 માર્ચને ગઇકાલે સમી સાંજે પોલીસે વોન્ટેડ બંને બુટલેગર બંધુઓની ધરપકડ કરી હતી અને બંનેને ગામમાં ફેરવી કાયદાનું ભાન કરાવ્યું હતું. બુટલેગરોમાં પોલીસનો ફફડાટ રહે અને તેઓથી કોઇએ ગભરાવાની જરૂર નથી. પોલીસ પ્રજાની સાથે છે તેવો મેસેજ આપવા બુટલેગરોને ગામમાં ફેરવ્યા હતા. બુટલેગરોને ગામમાં ફેરવતા લોકો ટોળે વળી ગયા હતાં.
વરણામા પોલીસ બંને બુટલેગર બંધુ વિશાલ-અક્ષય ગોહિલ અને મહેશ ગોહિલ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.