પોઇચા-કનોડા પાસે મહી નદીના પટમાંથી રેતી ખનન ઝડપાયું, રૂા.70 લાખનો મુદ્દામાલ જપ્ત

વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતા ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડ્યો

MailVadodara.com - Sand-mining-caught-from-Mahi-river-bed-near-Poicha-Kanoda-Rs-70-lakh-worth-seized

- દરોડા પાડતા રેતી ઉલેચી રહેલા ખનીજ માફિયા ફરાર, બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી, એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો જપ્ત કરાયા


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઇચા-કનોડા પાસેથી પસાર થતી મહી નદીના પટમાં ધમધમતા ગેરકાયદેસર રેતી ખનન સામે વડોદરા ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડી રૂપિયા 70 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. સાવલી પોલીસને સાથે રાખી ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડતાં રેતી ઉલેચી રહેલાઓએ દોડધામ કરી મૂકી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લા સંકલનની બેઠકમાં સાસંદ અને ધારાસભ્યો દ્વારા અનેક વખત રેતી ખનન સામે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, આ રજૂઆતો માત્ર કાગળ પુરતી સિમીત રહેતી હોય છે.


મળેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના પોઇચા-કનોડા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીમાં મોટા પાયે ગેરકાયદેસર રેતી ખનન માહિતી ચાલતું હતું. જોકે, આ રેતી ખનન અંગે સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને સાવલી પોલીસ પણ અજાણ ન હતી. આમ છતાં, કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. દરમિયાન આ અંગેની માહિતી ગાંધીનગરની ફ્લાઇંગ સ્કવોડને મળતાં સાંજે સાવલી પોલીસને સાથે રાખી દરોડા પાડયા હતા. રેડ દરમિયાન બે ટ્રેક્ટર, એક હિટાચી મશીન, એક જેસીબી, એક રેતી ભરેલું ડમ્પર અને ત્રણ નાવડીઓ, રેતી ભરેલા ડમ્પરો મળી કુલ્લે રૂપિયા 70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


જોકે, ફ્લાઇંગ સ્કવોડે દરોડો પાડતાં જ રેતી ઉલેચી રહેલા મજૂરો અને વાહનોના ચાલકો સ્થળ ઉપર વાહનો મૂકી ફરાર થઇ ગયા હતા. રેડ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સાવલી પોલીસ મથકનો બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. ફ્લાઇંગ સ્કવોડ દ્વારા મોટી કાર્યવાહી કરતા વડોદરા ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. હાલ આ મામલે સાવલી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર ખનનને પગલે નદીના પટમાં ઉંડા ખાડા પડી રહ્યા છે. પરિણામે બ્રિજના પાયાને નુકસાન થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ ખનન રોકવા માટે સાંસદ તથા ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરની સંકલનની બેઠકમાં અવાર નવાર અવાજ પણ ઉઠાવવામાં આવે છે. પણ આ ખનીજ માફિયાઓની પ્રવૃત્તિઓ પર લગામ કસવામાં વડોદરાનું ખાણ-ખનીજ વિભાગ ધરાર નિષ્ફળ રહ્યું છે.

Share :

Leave a Comments