- ગાંજાનો જથ્થો આપનાર વાસદના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો
- એસઓજી પોલીસે મકાનમાંથી 19,120ની કિંમતનો 1.912 કિલો ગ્રામ ગાંજો મળી કુલ 70,170નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
શહેર એસઓજી પોલીસ દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી શહેરના વિવિધ અવાવરું અને જાહેર રસ્તાઓ પર ચેકીંગ કરવામાં આવતું હતું. આજે એસઓજી પોલીસ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં આજવા રોડ પર આવેલ એકતાનગર પાસે આવેલ પર્ણવાટીકા સોસાયટીમાંથી એક ઇસમને 1.912 કિલો ગ્રામ ગાંજો જેની કિંમત 19,120 સાથે કુલ મળી 70,170નો મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં એસઓજી પોલીસને સફળતા મળી હતી. ગાંજાનો જથ્થો આપનાર વાસદના શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેરને નશામુક્ત કરવા અને યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે શહેર પોલીસ દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મળતી વિગત મુજબ, એસઓજી પોલીસના અ.હે.કો મહિપતસિંહ બનાભાઇને તેઓના અંગત બાતમીદારથી ચોક્કસ બાતમી મળેલ કે, આજવા રોડ પર એકતાનગર પાસે સાંનિધ્ય ટાઉનશીપની પાછળ આવેલી પર્ણવાટીકા સોસાયટી-2, ભાવેશ મનહર પંચાલ નામનો ઇસમ તેના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો સંતાડી રાખી છૂટકમાં વેચાણ કરે છે.' જે બાતમી આધારે એસઓજી પી.આઈ. વી.એસ.પટેલે સરકારી પંચો તથા સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ભાવેશ મનહરભાઇ પંચાલ (ઉ.વ.45) મળી આવ્યો હતો. જેથી તેની પૂછપરછ કર્યા બાદ મકાનમાં તપાસ કરતાં અંદરથી રૂપિયા 19,120ની કિંમતનો 1.912 કિલો ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસ કુલ 70,170નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ભાવેશ પંચાલની પૂછપરછ કરતા તે આણંદ જિલ્લાના વાસદ ખાતે રહેતા બનેશ્વરગીરી ઉર્ફે બકા મહારાજ પાસેથી મેળવ્યો હોવાની માહિતી મળતા પોલીસે બકા મહારાજને વોન્ટેડ જાહેર કર્યો હતો. બંને એકબીજાની મદદગારી કરી ગુનો આચરતા બન્ને આરોપીઓ વિરુદ્ધમાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે આ માદક પદાર્થ ગાંજાની હેરાફેરી તેમજ વેચાણના નેટવર્ક અંગેની તપાસ બાપોદ પોલીસને સોંપવામાં આવી છે.