- મુંબઇથી ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો, પોલીસે દરોડો પાડી બેને ઝડપી પાડ્યા
વડોદરા શહેર અને તેની આસપાસમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે, ત્યારે વડોદરા SOG પોલીસે મુંબઇથી ડ્રગ્સ આપવા માટે આવેલા ડ્રગ્સ માફિયા અને વડોદરામાં ડ્રગ્સની ડિલિવરી લેનાર બે ડ્રગ્સ માફિયાની રૂપિયા 29.20 લાખની કિંમતના 292 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. જ્યારે એક નિગ્રોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
વડોદરા SOGના પી.આઇ. સી.બી. ટંડેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, SOGના એ.એસ.આઇ. જાહિદઅલી કાસમઅલીને માહિતી મળી હતી કે, રાવપુરા નવાબવાડામાં રહેતો ઇમરાનખાન ઉર્ફ ચિકનદાનો પઠાણ MD ડ્રગ્સનો ધંધો કરે છે અને તેને ડ્રગ્સનો જથ્થો આપવા માટે મુંબઇનો એક ડ્રગ્સ માફિયા આવ્યો છે અને બંને તાંદલજા ખાતે ઇમરાનખાન ઉર્ફ ચિકનદાનાએ રાખેલા ભાડાના મકાનમાં હાજર છે.
આ માહિતી મળતા સ્ટાફના પી.આઇ. સી.બી. ટંડેલે પી.એસ.આઇ. એચ.યુ. પટેલ, એ.એસ.આઇ. લક્ષ્મીકાંત, હેમંતભાઇ, અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ, રાજેન્દ્રભાઇ સહિત સ્ટાફ સાથે તાંદલજા ખાતે અસફા એપાર્ટમેન્ટમાં બી-ટાવરમાં મકાન નંબર-304માં દરોડો પાડ્યો હતો. પોલીસે દરોડો પાડતા જ ડ્રગ્સ માફિયા પોલીસ સમક્ષ સરન્ડર થઇ ગયા હતા.
દરમિયાન પોલીસે ઇમરાનખાન ઉર્ફ ચિકનદાના મહેમુદખાન પઠાણ (રહે. મોઇન એપાર્ટમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, નવાબવાડા, રાવપુરા) અને મુંબઇથી ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવેલા સલીમ ઇમ્તીયાઝ શેખ (રહે. મકાન નંબર-5, ઠાકુરપાડા, થાના મુંમ્બરા, જિલ્લો થાણે, મહારાષ્ટ્રને દબોચી લીધા હતા. જોકે, આ ડ્રગ્સ માફિયાઓ સાથે ધંધો કરનાર નિગ્રો ડ્રગ્સ માફિયા મળી આવ્યો ન હતો. આથી તેને વોન્ટેડ જાહેર કર્યો હતો.
વડોદરા શહેર SOG પોલીસે ઇમરાનખાન ઉર્ફ ચિકનદાનાના તાંજલજા અસફા એપાર્ટમેન્ટના ભાડાના મકાનમાં તપાસ કરતા ઘરમાં સંતાડેલો રૂપિયા 29,20,000નો 292 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા 40,000 રોકડા, એક એક્ટિવા તેમજ એક મોબાઇલ ફોન કબજે કર્યો હતો. જ્યારે મુંબઇથી ડ્રગ્સનો જથ્થો આપવા માટે આવેલા સલીમ શેખ પાસેથી ડ્રગ્સ વેચાણના રૂપિયા 60,000 રોકડા, કાર, તેમજ એક મોબાઇલ ફોન કબજે કર્યો હતો.
પી.આઇ.એ વધુમાં જણાવ્યું હતું કે, મુંબઇનો ડ્રગ્સ માફિયા સીલમ ઇમ્તીયાઝ શેખ છેલ્લા દોઢ માસથી મુંબઇથી ડ્રગ્સ લઇને વડોદરા આવતો હતો અને ઇમરાનખાન ઉર્ફ ચિકનદાનાને આપતો હતો. ઇમરાનખાન ઉર્ફ ચિકનદાના છૂટક પડીકીઓ બનાવીને MD ડ્રગ્સના બંધાણીઓને વેચતો હતો. ઇમરાનખાન ઉર્ફ ચિકનદાનો એક પડીકી બંધાણીની ગરજ જોઇને વેચતો હતો. MD ડ્રગ્સના વેચાણ માટે વડોદરામાં મોટું નેટવર્ક ઉભું કર્યું હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.