- જિલ્લા એસ.ઓ.જી.એ મધ્યપ્રદેશના બે યુવાનોની માઉઝર પિસ્ટલ સાથે ધરપકડ, અન્ય વોન્ટેડ આરોપીની ધરપકડ કરવા શોધખોળ હાથ ધરી
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના જરોદ રેફરલ ચોકડીથી સમલાયા રોડ ઉપરથી ચાલતા માઉઝર પિસ્ટલ અને જીવતા કારતૂસ લઇ પસાર થઇ રહેલા મધ્યપ્રદેશના બે યુવાનોની જિલ્લા પોલીસ તંત્રના SOG સ્ક્વોડે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
આ અંગે પી.એસ.આઇ. એમ.બી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પેટ્રોલિંગ દરમિયાન પિસ્ટલ અંગેની માહિતી મળતા જ એસ.ઓ.જી.ની બંને ટીમોનો સ્ટાફ જરોદ રેફરલથી સમલાયા જવાના રસ્તા ઉપર વોચમાં ગોઠવાઇ ગયો હતો. દરમિયાન બે યુવાનો શંકાસ્પદ હાલતમાં ચાલતા જતા હતા. તેઓને રોકી તેમની અંગજડતી કરતા બે પૈકી એક યુવાન પાસેથી માઉઝર પિસ્ટલ અને 1 નંગ જીવતો કારતૂસ મળી આવ્યો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 હજારની કિંમતની માઉઝર પિસ્ટલ, કારતૂસ, એક મોબાઇલ ફોન અને રોકડ મળી કુલ રૂપિયા 25,350નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને બંને આરોપીઓની અટકાયત કરી પોલીસ મથકમાં લઇ ગઇ હતી, જ્યાં તેઓની પૂછપરછ કરતા એકનું નામ વિજય જાલમસીંગ ગુથરીયા (ભીલાલા) રહે. ઉંડારી ગામ, તાલુકો- જોબટ, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશ) અને બીજાનું નામ રાજુ ગણપતભાઇ સેમલીયા (ભીલાલા) રહે. કંડા ગામ, તાલુકો જોબટ, જિલ્લો અલીરાજપુર)નું બહાર આવ્યું હતું. જ્યારે તેઓના અન્ય એક સાગરીત અજય મેડા (ભીલ) (રહે. જોબટ, જિલ્લો અલીરાજપુર)ને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
પી.એસ.આઇ. એમ.બી. જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, 21 વર્ષીય વિજય ગુથરીયા (ભીલાલા) અને 19 વર્ષીય રાજુ સેમલીયા (ભીલાલા) માઉઝર પિસ્ટલ લઇને શા માટે જરોદ રેફરલ તરફ જઇ રહ્યા હતા તે દીશામાં તપાસ હાથ ધરી છે. આ બંને યુવાનો ભૂતકાળમાં કોઇ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ ? તે દીશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે બંને આરોપી માઉઝર વેચવા માટે આવ્યા હતા કે કોઇને માઉઝરની ડિલીવરી આપવા માટે આવ્યા હતા. તે દીશામાં પણ તપાસ હાથ ધરી છે. બંને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવશે. રિમાન્ડ મળે તેઓની પૂછપરછમાં અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
આ બનાવ અંગે એસ.ઓ.જી. ના અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ કેશવભાઇએ જરોદ પોલીસ મથકમાં ઝડપાયેલા બે આરોપી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી હતી. જરોદ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.