- એસઓજી પોલીસે આરોપી પંકિત રાવળ પાસેથી 20 હજારની કિંમતનો 2.76 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો, મોપેડ, મોબાઇલ સહિત 77 હજારથી વધુનો મુદામાલ કબજે કર્યો
વડોદરામાં હવે દારુના ધંધા સાથે ગાંજાના વેપારમાં પણ વધારો થઇ ગયો છે. જોકે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત વેપારને રોકવા માટે સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે જિલ્લા SOGએ બાતમીના આધારે વાઘોડિયા તાલુકાના વેસાણીયા ગામની સીમમાં વોચ ગોઠવી રૂપિયા 77 હજારની કિંમતના ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે તેના બે સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
જિલ્લા SOGના પી.આઇ. જે.એમ. ચાવડાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ દારુ-ગાંજા જેવા નશીલી ચીજવસ્તુઓના વેચાણ તેમજ હેરાફેરીને રોકવા માટે પોલીસ તંત્ર દ્વારા ઘનિષ્ઠ ચેકીંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. જિલ્લા SOGની ટીમના પી.એસ.આઇ. એમ.બી. જાડેજા, પી.એસ.આઇ. એમ.એસ. જાડેજા, પી.એસ.આઇ. એચ.એમ. જાળીયા તેમજ સ્ટાફ સાથે વેસાણીયા ગામની સીમમાં રામેશરા-આજવા કેનાલ રોડ ઉપર વાહન ચેકીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન મોટરસાયકલ પર ગાંજાનો જથ્થો લઇ પસાર થઇ રહેલા પંકિત કિશોરભાઇ રાવળ (રહે. કેલનપુર, પાણીની ટાંકી પાસે, વડોદરા)ની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી 2.76 કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 20,760ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલ આરોપી પંકિત રાવળની પૂછપરછમાં ગાંજાનો જથ્થો કલ્પેશ ઉર્ફ કમલેશ બારીયા આપી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. કલ્પેશ ઉર્ફ કમલેશ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે. જિલ્લા SOG આરોપી પંકિત રાવળ પાસેથી ગાંજાનો જથ્થો, મોપેડ, મોબાઇલ ફોન તેમજ રોકડ રૂપિયા 900 મળી કુલ્લે રૂપિયા 77, 160નો મુદ્દામાલ કબજે કરી તેની સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વાઘોડિયા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.