દશરથ ગામમાંથી SOGએ 5.15 લાખની કિંમતના 103 ગ્રામ હેરોઈનના જથ્થા એકની ધરપકડ કરી

પંજાબથી ગુજરાતમાં લાવવામાં આવતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ

MailVadodara.com - SOG-arrests-103-gram-heroin-worth-Rs-5-15-lakh-from-Dashrath-village

- આરોપી કુલદીપસિંગ રંધાવાની પૂછપરછ કરી અત્યાર સુધી કેટલું હેરોઇન કે અન્ય ડ્રગ્સ કોને કોને પહોંચાડ્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી


પંજાબથી ગુજરાતમાં લાવવામાં આવતા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. વડોદરા નજીક આવેલ દશરથ ગામમાંથી SOGએ 5.15 લાખની કિંમતના 103 ગ્રામ હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. મુદ્દામાલ સાથે આરોપી કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવાની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેર SOGને બાતમી મળી હતી કે, દશરથ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ વધી છે. નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા હોય તેવી પણ આશંકા હતી. જેથી વડોદરા શહેર SOG દ્વારા પોતાના બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા. એક મહિનાથી સતત નજર રાખવામાં આવી રહી હતી. અહીંથી અવરજવર કરતા લોકોનો પીછો પણ કરવામાં આવી રહ્યો હતો.


આરોપી આજે સવારે જ પંજાબથી ડ્રગ્સ લઈને વડોદરા આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે સુરમ્ય હાઇટ્સમાં આવેલ સી-103 નંબરના મકાનને ઘેરી લીધું હતું. ઘરમાં સર્ચ કરીને 103 ગ્રામ હેરોઇન ઝડપી પાડ્યું હતું. એફએસએલ તથા અન્ય સંબંધિત એજન્સીઓને પણ સાથે રાખવામાં આવી હતી. SOGએ હેરોઇનના જથ્થા સાથે કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવા (ઉં.વ.47)ની ધરપકડ કરી હતી.

ઘરમાં આરોપીનો જમાઈ અને પુત્ર પણ હાજર હતો. જોકે, તેના જમાઈની કોઈ સંડોવણી ન હોવાનું બહાર આવ્યું છે. પોલીસે મોડી રાત સુધી ઘરમાં તપાસ કરી હતી અને આરોપીની પૂછપરછ કરી હતી. આરોપી વડોદરામાં કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતો હતો અને ક્યાં નેટવર્ક સાથે સંકળાયેલ છે તથા અત્યાર સુધી કેટલું હેરોઇન કે અન્ય ડ્રગ્સ કોને કોને પહોંચાડ્યું છે તે દિશામાં વડોદરા SOG દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.


આ મામલે વડોદરા SOGના પીઆઈ વી. એસ. પટેલે જણાવ્યું હતું કે, અમારી ટીમો એક મહિનાથી વોચમાં હતી અને આજે સવારે આરોપી કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવા ડ્રગ્સ સાથે આવતા તેને ઝડપી પાડ્યો હતો. આ મામલે વધુ તપાસ શરૂ છે.

ઉલ્લેખનીય છે કે, 3 મહિના અગાઉ વડોદરાના છાણી ટી.પી 13માંથી એસઓજીની ટીમે 58.05 ગ્રામ રૂ.2.90 લાખનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. સ્થળ પરથી બે ઈસમને ઝડપી પાડી સમગ્ર મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવામાં આવ્યો હતો. છાણી ટી.પી 13 વિસ્તારના વસુંધરા ટેનાર્મેન્ટમાં ભાડેથી રહેતો સંદીપ ઉર્ફે સોનું રંધાવા (મુળ. અમૃતસર, પંજાબ) પોતાના ઘરેથી હેરોઈન ડ્રગ્સનો ધંધો કરે છે અને તેને ડ્રગ્સ આપવા અમૃતસરથી જતીન્દરસિંહ ઉર્ફે હેપી સરદાર નામનો ઈસમ આવ્યો હતો. આ બાતમીના આધારે એસઓજીએ દરોડા પાડ્યા હતા. સંદીપ ઉર્ફે સોનુના ઘરે તિજોરીમાંથી 58.05 ગ્રામ રૂ.2.90 લાખનું હેરોઈન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરતા આ ડ્રગ્સ પંજાબના આકાશસિંહ પાસેથી ખરીદાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આકાશસિંહને વોન્ટેડ જાહેર કરી ત્રણેય સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

Share :

Leave a Comments