- પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, રોકડા, મોપેડ સહિત 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો, જથ્થો આપનાર આરોપી વોન્ટેડ જાહેર
વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે એક્ટિવાની ડિકીમાં ગાંજો લઇ પસાર થઇ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, મોપેડ સહિત રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઇ રહ્યો હતો, તેને ઉભો રાખી મોપેડની ડિકીમાં તપાસ કરતાં તેમાંથી 1.920 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી શકીલ ઇકબાલભાઇ મલેક (રહે. બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરા)ની ધરકપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા આરોપી શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટિવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો અને બેગ મળી રૂપિયા 50,810નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
આ બનાવ અંગે એસ.ઓ.જી.એ કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની વધુ તપાસ શિનોર પોલીસ મથકના પીઆઇને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.