- ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દારૂની 3206 નંગ બોટલ, રોકડ રૂપિયા, મોબાઈલ સહિત કુલ 3.87 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરામાં વિદેશી દારૂના વેપલાના પર્દાફાશ માટે છેલ્લા બે દિવસથી સ્ટેટ મોનિટરીંગ સેલે શહેરમાં ધામાં નાખ્યા છે. ગઈકાલે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા શહેરના બાપોદ અને જિલ્લામાં પાદરા પોલીસ મથકમાં કાર્યવાહી કરવામાં આવી હતી. આજે વડોદરા જિલ્લાના ડભોઇ પોલીસ હદ વિસ્તારમાં કાર્યવાહી કરી 3.87 લાખના મુદ્દામાલ સાથે બે શખસની ધરપકડ કરી છે, જ્યારે 7 ઈસમો વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે કરેલ કામગીરીને લઈ સ્થાનિક પોલીસ ફરી એકવાર ઊંઘતી ઝડપાઇ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ આરોપી મનહર અને જયેશ સાથે વોન્ટેડ આરોપી સુરેશના ઘરે રેડ કરી હતી. આ કાર્યવાહીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની 3206 નંગ બોટલ જેની કિંમત રૂપિયા 3,75,980 સાથે રોકડ, મોબાઈલ સહિત કુલ રૂપિયા 3,87,180ના મુદ્દામાલ સાથે બે શખસોની ધરપકડ કરી છે. જ્યારે 7 ઇસમોને વોન્ટેડ જાહેર કરી ડભોઇ પોલીસ મથકમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીમાં જયેશ ઉર્ફે જીગો કનુભાઈ રાજપૂત (રહે. ડભોઇ), મનહરભાઈ અંબાલાલ ઠાકોર ( રહે. વેગા ગામ)ની ધરપકડ કરી છે. સાથે આરોપી હિતેશ ઉર્ફે મોન્ટુ રાયસિંગભાઈ પાટણવાડીયા (રહે. ડભોઇ), સુરેશભાઈ અંબાલાલ ઠાકોર (રહે. વેગા ગામ), પાર્થ મનહરભાઈ ઠાકોર (રહે. વેગા ગામ), નિરજ ધોબી ઉર્ફે બાનો (રહે. ડભોઇ), જગદીશ રાઠોડ ઉર્ફે જાગી જુગરીઓ (રહે ડભોઇ), દિપક વસાવા ઉર્ફે દિપો (રહે. ડભોઇ), આઇશરમાં દારૂનો જથ્થો મોકલનાર સાત આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના અગાઉ જ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી હતી અને મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. શહેર અને જિલ્લામાંથી અવારનવાર આ પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે આ દરોડા બાદ શહેર અને ગ્રામ્ય પોલીસ સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે કે, સ્ટેટ વિજિલન્સ અહીં આવી કામગીરી કરી દારૂનો જથ્થો પકડે છે ત્યારે સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થાય છે. SMC દ્વારા ગત રોજ બાપોદ અને જિલ્લામાં પાદરમાં કાર્યવાહી કરી હતી અને આજે ડભોઇ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યવાહી કરી છે.ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા સમગ્ર શહેર જિલ્લામાં સપાટો બોલાવ્યો છે.