- ગ્રામ્ય એસઓજીએ ઝડપાયેલા ગોપાલ માછી પાસેથી એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીક 40 નંગ, ડેટોનેટર કેપ નંગ 20, ટુ-વ્હિલર મળી કુલ 16,200નો મુદ્દામાલ જપ્ત કર્યો
વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં અવારનવાર ખાનગી રાહે નશીલા પદાર્થ અને શસ્ત્રોનું વેચાણ થતું જોવા મળે છે. ત્યારે શહેર જિલ્લાની પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ગતરોજ વડોદરા ગ્રામ્ય એસઓજીએ બાતમીના આધારે ડેસરના વેજલપુર ગામ પાસેથી એક્સપ્લોઝીવના જથ્થા સાથે એક શખસને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ કાર્યવાહીમાં વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમ ડેસર પોલીસ મથક હદ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન એસઓજી ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, એક શખ્સ એક્સપ્લોઝીવનો જથ્થો લઈ ઉદયપુરથી ડેસર તરફ જનાર છે. જે માહિતીના આધારે એસઓજી ટીમે વેજલપુર ગામની સીમમાં વોચ ગોઠવી ગેરકાયદેસર એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટિક તથા ડેટોનેટર કેપના જથ્થા સાથે એક શખસને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કાર્યવાહીમાં એસઓજી દ્વારા ગોપાલભાઈ બાબુભાઈ માછી (ઉ.વ. 28, રહે, નવા સિહોરા, તા.ડેસર, જી.વડોદરા)ને ઝડપી પાડ્યો છે. જ્યારે પ્રવીણભાઈ રામાભાઈ માછી (રહે- નવા સિહોરા, તા.ડેસર) અને સંજયભાઈ ( રહે- જુનીધરી ગામ, તા.ગોધરા, જી.પંચમહાલ)ને વોન્ટેડ જાહેર કર્યા છે. ઝડપાયેલા શખસ પાસેથી એક્સપ્લોઝીવ જીલેટીન સ્ટીક 40 નંગ જેની કિંમત રૂપિયા 800, ડેટોનેટર કેપ નંગ 20 જેની કિંમત રૂપિયા 400 સાથે ટુ-વ્હિલર મળી કુલ રૂપિયા 16,200નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે આ ત્રણેય શખસો સામે ડેસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.