- નાણાં ગુમાવનાર નિવૃત્ત તલાટી શશીકાંતભાઇ પટેલે ડભોઇ પોલીસમાં ફરિયાદ નોંધાવી
વડોદરાના ડભોઇ તાલુકાના લીંગસ્થળી ગામમાં રહેતા નિવૃત્ત તલાટી સાઇબર માફિયાઓનો ભોગ બનતા ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પેન્શનની બેંકમાં જમા થયેલા રૂપિયા 43 હજાર ગુમાવનાર નિવૃત્ત તલાટીના UPI દ્વારા નાણાં ઉપાડી લેનાર ટોળકીની પોલીસે તપાસ હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના લીંગસ્થળી ગામમાં નિવૃત્ત તલાટી શશીકાંતભાઇ પરસોત્તમભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. દર માસે તેમના બેંક એકાઉન્ટમાં પેન્શનના નાણાં જમા થાય છે. તા.6 ફેબ્રુઆરીના રોજ તેમને નાણાંની જરૂરત પડતા તેઓ કાયાવરોહણ ખાતેની બેંકમાં ગયા હતા. જ્યાં જાન્યુઆરી માસનું પેન્શન જમા થયું હતું. તેમના પેન્શનમાંથી કેટલીક રકમ લોન પેટે કપાઇ જાય છે. બાકીના રૂપિયા 20 હજાર ઉપાડ કરવા માટે તેમણે ચેક જમા કરાવ્યો હતો. જેમાં કેશિયરે બેલેન્સ ન હોવાનું જણાવતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા. આ દરમિયાન તેઓ મેનેજરને મળતા બેંક મેનેજરે શશીકાંતભાઇને UPI થકી રકમ ઉપાડી લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જો કે, તેમણે કોઇ નાણાં ઉપાડ્યા ન હોવાથી મેનેજરે ફરિયાદીને 1930 પર જાણ કરવા કહ્યું હતું. તે બાદ તેમણે સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. તે દિવસે UPI થકી તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 20,500 ઉપડી ગયા હતા.
શશીકાંતભાઇ પટેલે પુનઃ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. જેમાં રૂપિયા 4,572 હોલ્ડ થયા હોવાનું જણાવ્યું હતું. જો કે, તે હોલ્ડ થયા ન હતા. આમ, બે ટ્રાન્ઝેક્શન થકી નિવૃત્ત તલાટીએ કુલ રૂપિયા 43,100 ગુમાવતા ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.