લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીજીનું રાજવી ઠાઠથી સ્થાપન : ઢોલ-નગારાં અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી સ્વાગત કરાયું

આજે ગણેશ ચતુર્થી : ઉત્સવપ્રિય નગરીમાં વડોદરામાં ગણેશોત્સવનો દબદબાભેર પ્રારંભ

MailVadodara.com - Royal-installation-of-Shriji-at-Lakshmi-Vilas-Palace-Welcomed-with-firecrackers-drums-and-sharnai-tunes

- પેલેસમાં મૂકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે તેની ઊંચાઈ 36 ઇંચ અને વજન 90 કિલો હોય છે, જેથી પાલખીની અંદર ગણપતિની પ્રતિમા સરળતાથી બેસાડી શકાય


આજે 7 સપ્ટેમ્બરે ગણેશચતુર્થીનો પાવન પર્વ સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો દ્વારા બાપ્પાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ઢોલ-નગારાં અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બપ્પાને રાજવી ઠાઠ સાથે પાલખીમાં રાજમહેલમાં લાવવામાં આવ્યા હતાં. રાજવી પરિવાર દ્વારા ગણેશજીના શ્રૃંગાર બાદ શાહી પૂજા કરી શુભ મુહૂર્તમાં મહારાજા અને મહારાણીની હાજરીમાં સ્થાપન કરાવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 85 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા પેલેસમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી રહી છે.


વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં ગણેશ ઉત્સવ મનાવવાની પરંપરા વર્ષ 1939થી ચાલી રહી છે. ગણેશચતુર્થીનો ઉત્સવ રાજવી પરિવાર દ્વારા હર્ષોલ્લાસ દ્વારા મનાવવામાં આવે છે. લક્ષ્મી વિલાસ પેલેસમાં અનોખો શણગાર કરવામાં આવ્યો છે. છેલ્લાં 85 વર્ષથી ચાલી આવતી પરંપરા આજે પણ કાયમ જોવા મળી રહી છે. પહેલાંના સમયમાં નક્કી કરાયેલી ગણેશજીની પ્રતિમાનો રંગ, સાઈઝ અને વજન આજે પણ એ જ સ્થિતિમાં રાખી સ્થાપન કરવામાં આવે છે. આ મૂર્તિ ખાસ કરીને ચૌહાણ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવે છે. આજે લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે વાજતેગાજતે અને શરણાઈના સૂર સાથે બાપ્પાને પાલખીમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.


આજે વડોદરાના રાજવી પરિવાર દ્વારા શાહી ઠાઠમાઠથી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી રહી છે. દરમિયાન મહારાજા અને મહારાણી હાજર રહ્યા હતા. આ પ્રસંગે મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું કે, હું ભગવાનને એટલી પ્રાર્થના કરું છું કે, વડોદરા માટે આ છેલ્લું પૂર હતું. છેલ્લા ઘણા દિવસોથી બધાને પરિસ્થિતીની ખબર જ છે. પૂર ફરી આવે તે શહેર માટે સારૂ નથી, ખૂબ ખરાબ વાત છે. આ અંગે શાસને અને સ્ટેટ પ્રમુખે પગલા લેવા પડશે.

વધુમાં તેમણે જણાવ્યું કે, સાંભળ્યું છે તો માનવસર્જિત ઘટના હોય તો માનવે જ આનો ઉકેલ લાવવો પડશે. આપણી પાસે પૂર વિશે ઘણી બધી માહિતી છે અને ટેક્નોલોજી પણ છે. તેનો ઉપયોગ કરીને પૂરની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઇએ. આમ, વડોદરામાં પૂરની પરિસ્થિતીને લઇને રાજવી પરિવાર પણ ચિંતિત છે, તેવું લાગી રહ્યું છે. રાજવી પરિવાર દ્વારા ભગવાન ગણેશજીને પ્રાર્થના કરીને પૂરની પરિસ્થિતી ફરી ન સર્જાય તે માટેની ભાવના વ્યક્ત કરી છે.


મહારાજા સમરજિતસિંહ ગાયકવાડે જણાવ્યું હતું કે, હું એટલી જ પ્રાર્થના કરું છું કે વડોદરા માટે આ છેલ્લુ પૂર હતું અને હવે પૂર ન આવે. આ માટે શાસને- સ્ટેટના પ્રમુખે પગલાં લેવા પડશે. કહેવાય છે કે, આ માનવસર્જીત પૂર હતું તો તેનો માનવ જ નિકાલ કરી શકે.

ઉલ્લેખનીય છે કે, વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ શહેરના દાંડિયાબજારમાં આવેલી લિંબચ માતાની ગલીમાંથી વાજતેગાજતે ગણેશજીની પ્રતિમાને લક્ષ્મી વિલાસ પેલેસમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, વર્ષોથી પાલખીમાં બેસાડીને ગણેશજીને લાવવામાં આવે છે. અહીંની ખાસ વાત એ છે કે ગણેશજીની મૂર્તિ બનાવવા માટે માટી ભાવનગરથી મગાવવામાં આવે છે, શિલ્પકારોને મૂર્તિ બનાવવા માટે લગભગ 1 મહિનાથી વધુનો સમય લાગે છે. મૂર્તિને શ્રૃંગાર કરીને સ્થાપિત કરવામાં આવે છે. આજે લક્ષ્મી વિલાસ પેલેસમાં વાજતેગાજતે ગણેશજીની મૂર્તિ દરબારમાં સ્થાપિત કરવામાં આવી છે.


વર્ષોથી લક્ષ્મી વિલાસ પેલેસમાં મૂકવામાં આવતી ગણેશજીની પ્રતિમાની ખાસ વાત એ છે કે આની ઊંચાઈ 36 ઇંચ અને વજન 90 કિલો હોય છે, જેથી પાલખીની અંદર સરળતાથી ગણપતિની પ્રતિમા બેસાડી શકાય. આ પ્રતિમા લાલસિંહભાઇ ચૌહાણ દ્વારા વર્ષોથી બનાવવામાં આવે છે. ગણેશજીની મૂર્તિને ઘરેણાંથી શણગાર કરવામાં આવે છે. હીરા-મોતી જડિત આભૂષણ પહેરાવી રાજગુરુ આચાર્ય પ્રેમદત વ્યાસ દ્વારા શાહી પૂજા કરવામાં આવે છે, જેમાં રાજવી પરિવાર જોડાય છે. વર્ષ 1939થી ચાલી રહેલી આ પ્રથા આજે પણ જીવંત રાખવામાં આવી છે. શ્રૃંગાર બાદ ભગવાન ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવી છે.

Share :

Leave a Comments