- આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક ભાગ તૂટી પડતા આસપાસના લોકો દોડી આવ્યા, કોઇ જાનહાનિ થઈ નથી
શહેરમાં મોડી સાંજે તુફાની પવનો અને વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. તોફાની પવન અને વરસાદને પગલે આજે વહેલી સવારે વારસિયા પોપ્યુલર બેકરી સામે આવેલ જૂની હવેલી ભાવ શિંદે મંદિરનો રોડ સાઈડનો એક ભાગ ધરાશાયી થયો હતો. સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. નોંધનીય છે કે, પાલિકા દ્વારા આ હવેલી સહિત 4 હજાર જેટલી જર્જરિત ઈમારતોને નિર્ભયતાની નોટિસ આપી હતી.
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગત મોડી સાંજે વાવાઝોડા સાથે મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. પ્રથમ એન્ટ્રીમાં જ શહેરમાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી, હોર્ડિંગ્સ તૂટી પડવાના બનાવો બન્યા હતા. જ્યારે અકોટામાં એક વૃદ્ધનું વીજળી પડવાથી મોત અને એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે ભાયલીમાં વીજળીને કારણે ધાબાનો સ્લેબ પણ તૂટ્યો હતો. ત્યારે આજે સવારે જૂની જર્જરિત ઈમારતો જેને નિર્ભયતા વિભાગે નોટિસ આપવા છતાં પણ હજી આવી મિલકતોને ઉતારી લેવામાં આવી નથી. આ પૈકી વારસિયામાં આવેલા ગાયકવાડી સમયની જૂની હવેલી ભાવ શિંદે મંદિરનો એક ભાગ ધડાકા સાથે તૂટી પડયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર વારસિયા પોપ્યુલર બેકરી સામે ગાયકવાડી શાસનકાળ દરમિયાનની જૂની હવેલી જેમાં ભાવ શિંદેનું મંદિર આવેલું છે. જેનો એક ભાગ એકાએક તૂટી પડ્યો હતો. આ અંગેની માહિતી આપતા સ્થાનિક બાબુભાઈએ જણાવ્યું હતું કે, વર્ષો જૂની આ જૂની હવેલી છે. જેમાં ભાવ શિંદેનુ ઐતિહાસિક મંદિર આવેલું છે. અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે. પણ હાલમાં આ મિલકત જર્જરિત છે. ત્રણથી ચાર પરિવારો ભાડુઆત તરીકે રહે છે. જો કે, તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે. હાલમાં ચારથી પાંચ વ્યક્તિઓ રહે છે. હજી આ મિલકતનો કબ્જો કોઈને સોંપવામાં આવ્યો નથી. આજે સવારે 5:30 વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક મોટો ભાગ તૂટી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. વહેલી સવારે આ ઘટના બની હોવાથી જાનહાનિ થઈ નથી. આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમો દોડી ગઈ હતી અને કાટમાળ નીચે કોઈ દબાયું છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, પાલિકાના ચાર ઝોનમા પૂર્વમાં 556, પશ્ચિમમાં 188, ઉત્તરમાં 100 અને દક્ષિણ ઝોનમાં 85 મિલકતો મળી કુલ 929 જર્જરિત ઇમારતોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે. જે પૈકી 437 લોકો વસવાટ કરે છે અને 250 જે અત્યંત જોખમરૂપ હતા તેવા 250 મકાન ખાલી કરાવવામાં આવ્યા છે.
વધુમાં ઉમેર્યું હતું કે, આ ઉપરાંત વુડાના 1522 તેમજ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો મળી કુલ 4439 મકાનોને નિર્ભયતાની નોટિસ આપવામાં આવી છે. તે સાથે વુડા અને ગુજરાત હાઉસિંગ બોર્ડને પત્ર લખી રિ-ડેવલોપમેન્ટ માટે જણાવાયું છે. ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. જે મિલકતો રહેવા લાયક નથી અને તેઓ મિલકત ખાલી કરતાં નથી તેવી મિલકતના પાણી અને વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે.