- આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દીધી
વડોદરા મહાનગર સેવા સદન દ્વારા શહેરના માર્ગો ઉપર ડ્રેનેજ, પાણી સહિતની કામગીરી માટે ઇજારો આપવામાં આવે છે. ઇજારદારો દ્વારા ચોક્કસ કારણોસર ગોકળ ગાયની ગતિએ ડ્રેનેજ, પાણીની લાઇનની કામગીરી કરવામાં આવતી હોય છે. જેના કારણે અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. આજે વહેલી સવારે વાઘોડિયા રોડ ગુરૂકુલ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઇનના સમારકામ માટે ખોદવામાં આવેલા 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં ઓટો રિક્સા ખાબકી હતી. આ ઘટનામાં ચાલકને ઇજા પહોંચી હતી. આ ઘટના બાદ કોન્ટ્રાક્ટર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે મોટો ખાડો ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. રોજ હજારોની સંખ્યામાં વાહનો આ રસ્તે પસાર થાય છે, ત્યારે તંત્ર દ્વારા આટલી ગંભીર બેદરકારી દાખવવામાં આવતા લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાને સામાન્ય માણસની કંઇ પડી જ ન હોય તેવી ઘટના રોજબરોજ સામે આવી રહી છે.
કોન્ટ્રાક્ટરો દ્વારા પાણીની લાઇન, ડ્રેનેજની લાઇન વિગેરેની કામગીરી પ્રવર્તમાન ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઇ ઝડપભેર પૂરી કરી દેવાના બદલે ગોકળ ગાયની ગતિએ કામગીરી કરવામાં આવે છે. પરિણામે અકસ્માતોની ઘટના બને છે. આજે વહેલી સવારે વાઘોડિયા રોડ ગુરૂકુલ ચાર રસ્તા પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલા 10 ફૂટ જેટલા ઉંડા ખાડામાં ઓટો રિક્સા ખાબકતા ચાલકને ઇજા પહોંચી હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. અને ખાડામાં રિક્સા સાથે ખાબકેલા ચાલકને બહાર કાઢ્યો હતો.
ઉલ્લેખનિય છે કે, શહેરનો એવો એકપણ વિસ્તાર નહિં હોય જ્યાં કામગીરી ચાલતી હોઇ અને ખાડા ખોદેલા ન હોઇ, શહેરના માર્ગો ઉપર કામગીરી માટે ખોદવામાં આવેલા ખાડાઓને પગલે વાહન ચાલકોને પણ સતત ભયના ઓથાર નીચે વાહન ચલાવવું પડે છે. આજે સવારે ખાબકેલી ઓટો રિક્સામાં માત્ર ચાલક હતો. જો આ રિક્સામાં મુસાફરો અથવા તો સ્કૂલ રિક્સા હોત તો મોટી દુર્ઘટના સર્જાઇ હોત. વરસાદને કારણે ખાડામાં પાણી પણ ભરાયેલું હતું.
આજે સવારે ખાડામાં ઓટો રિક્સા ખાબકવાની બનેલી ઘટના બાદ કોન્ટ્રાક્ટરે ડ્રેનેજ લાઇનની સમારકામની કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી હતી. રોડ વચ્ચેજ ડ્રેનેજની ચાલી રહેલી કામગીરીના પગલે રોડ ઉપર ટ્રાફિક વ્યવહાર ઉપર પણ અસર પડી હતી. જોકે, આજે સવારે ખાડામાં ઓટો રિક્સા ખાબકવાની બનેલી ઘટનાએ વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.