શહેરના દક્ષિણ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી શરૂ, પાલિકાની આવકમાં થશે વધારો

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરવામાં આવે છે

MailVadodara.com - Revision-assessment-work-has-started-in-the-south-zone-of-the-city-the-revenue-of-the-municipality-will-increase

- ગત વર્ષે પશ્ચિમ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર ચાર વર્ષે રિવિઝન આકારણી કરવામાં આવે છે. શહેરના ઉત્તર ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવ્યા બાદ હવે દક્ષિણ ઝોનની રિવિઝન આકારણી છેલ્લા કેટલાક દિવસથી શરૂ કરવામાં આવી છે, જે હજુ બે ત્રણ મહિના સુધી ચાલે તેવી શક્યતા છે.

વડોદરા શહેરમાં કોર્પોરેશનના ચાર ઝોન છે. જેમાં દર વર્ષે એક ઝોનમાં રિવિઝન આકારણી કરવાનું થાય છે. ગયા વર્ષે પશ્ચિમ ઝોનમાં રિવિઝન આકારણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. રિવિઝન આકારણી થાય એટલે કોર્પોરેશનની વેરાની આવકમાં વધારો થઈ શકે છે, કેમકે લોકોએ ચાર વર્ષ દરમિયાન પોતાના ઘરના બાંધકામમાં નાના મોટા ફેરફાર કર્યા હોય, એક્સટેન્શન કર્યું હોય, નવો માળ બાંધ્યો હોય. આ બધા કારણોને લીધે ક્ષેત્રફળ વધતા આકારણીમાં વધારો થાય છે. હાલમાં દક્ષિણ ઝોનના વોર્ડ નંબર 16, 17, 18 અને 19 માં કોર્પોરેશનના આકારણી શાખાના કર્મચારીઓ સર્વે કરવા જાય છે, અને જો મિલકતોના માપમાં વધારાનું બાંધકામ થયું હોય અથવા હેતુફેર કરવામાં આવ્યો હોય તો તેની માહિતી એકત્રિત કરે છે. કોર્પોરેશન દ્વારા આવનાર કર્મચારીને પોતાની કામગીરીમાં સહયોગ આપવા અનુરોધ કરાયો છે. દરમિયાન કરદાતાને પોતાની કોઈ રજૂઆત કરવી હોય તો કોર્પોરેશનમાં આકારણી શાખામાં સાંજે 4 થી 6 દરમિયાન સંપર્ક કરવા જણાવ્યું છે.

ગયા વર્ષે રિવિઝન આકારણીથી ડિસેમ્બર 2023 સુધીમાં કોર્પોરેશનની મિલકતવેરાની આવક 17 કરોડ રૂપિયા વધી હતી. કોર્પોરેશન દર વર્ષે બજેટમાં મિલકત વેરાની આકારણીનો લક્ષ્યાંક વધારે છે, જે રિવિઝન આકારણીને ધ્યાનમાં રાખીને વધારવામાં આવે છે. શહેરનો પશ્ચિમ ઝોન કે જ્યાં કોમર્શિયલ બાંધકામો અને બીજા નાના મોટા બાંધકામોમાં બીજા ઝોનની સરખામણીમાં વધુ ફેરફાર થતા હોય છે, જેથી રિવિઝન આકારણીની આવક વધી શકે છે. દક્ષિણ ઝોનની કામગીરી પૂર્ણ થયા બાદ લગભગ પૂર્વ ઝોનની રિવિઝન આકારણી હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. કોર્પોરેશનના ચાલુ વર્ષના બજેટમાં મિલકત વેરાની આવકનો લક્ષ્યાંક આશરે 742 કરોડ રાખવામાં આવ્યો છે.

Share :

Leave a Comments