વડોદરામાં કબાબ સમોસા વેચતી રેન્ટોરન્ટ, લારીઓ પર ફૂડ વિભાગનું ચેકિંગ, 9 નમૂના લેબમાં મોકલાયાં

વડોદરામાં ગૌમાંસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ

MailVadodara.com - Restaurant-selling-kebab-samosas-in-Vadodara-food-department-checks-on-trucks-9-samples-sent-to-lab

- પાણીગેટ છીપવાડના મકાનમાંથી ગૌમાંસ, સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળ્યો હતો જેમાં પોલીસે ૬ આરોપીઓની ધરપકડ કરી હતી


વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાંક મકાનમાંથી ગૌમાંસ, સમોસાનો માવો સહિત 326 કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને SOGની ટીમ સફાળી જાગી છે. પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચેકિંગ શરૂ કર્યું હતું. ચેકિંગ દરમિયાન સમોસાનો માવો, કબાબ અને સમોસાના 9 જેટલા નમૂના લઈ લેબોરેટરી તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.


વડોદરા શહેરમાં ગૌમાંસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે. શહેરના ન્યાયમંદિર, માંડવી, પાણીગેટ, આયુર્વેદિક ત્રણ રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલી કબાબ સમોસાની રેસ્ટોરન્ટ, લારીઓ અને ઢાબાઓ પર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કર્યું હતું. ચેકિંગ દરમિયાન વિવિધ 9 જેટલા નમૂના લીધા હતા. જોકે, આ પ્રકારની પ્રવૃતિઓને રોકવા માટે અગાઉથી કોઇ તપાસ કરવામાં આવતી નહોતી.


વડોદરા મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર જિગ્નેશ ગોહિલે જણાવ્યું હતું કે, હુસેની સમોસામાં ગૌમાંસ મળી આવ્યું હતું. જેના કારણે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી કબાબ સમોસા વેચતા વેપારીઓને ત્યાં ચકાસણી શરૂ કરવામાં આવી છે. ફૂડ વિભાગ અને SOGની ટીમ દ્વારા ન્યાય મંદિર વિસ્તારમાં આવલી ફેમસ સમોસા કોર્નર ખાતે ચેકિંગ કર્યું છે અને નમૂના લઇને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. સમોસાનો માવો, કબાબ અને સમોસાના નમૂના લેવામાં આવ્યા છે.


ઉલ્લેખનીય છે કે, વડોદરાના પાણીગેટ છીપવાડના એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હુસૈની સમોસાં સેન્ટરમાં ઝોન-4 LCBની ટીમે 6 એપ્રિલના રોજ ગૌમાંસ સાથે એના માવાવાળાં સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો. પોલીસે આ ગૌમાંસ સાથે સંકળાયેલા કુલ 6 જણાને પકડી કાર્યવાહી હાથ ધરી છે. ગૌમાંસથી બનતાં સમોસા સસ્તાં બનતાં હોવાથી વધુ પ્રોફિટ કમાવવાની લાલચમાં એનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.


ડીસીપી ઝોન-4ને બાતમી મળી હતી કે, પાણીગેટ છીપવાડમાં ગૌમાંસનું વેચાણ થાય છે, જેના આધારે ઝોન-4 એલસીબી ટીમે મહંમદ યુસુફ ફકીર મહંમદ શેખના ઘરમાંથી પોલીસને 113 કિલો ગૌમાંસ, 152 કિલો સમોસાંનો માવો, 61 કિલો કાચાં સમોસાં મળીને કુલ 326 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત થેલીઓ, બાઉલ અને ક્રશર મશીન સહિતનો કુલ 49 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જેથી પોલીસે કુલ 6 આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી અને 6 આરોપીના એક દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાતાં વધુ એક આરોપીનું નામ જાણવા મળ્યું. પોલીસે ગૌમાંસ સપ્લાય કરનાર ઇમરાન ઉર્ફે દાહુદી યુસુફ કુરેશીની પણ ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments