- રહીશોએ અધિકરીઓને પણ ખખડાવ્યા
શહેરના છેવાડે આવેલા વેમાલી ગામના રહીશોને પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત થતાં હતાં. જે બાબતને ધ્યાનમાં લઈ તેમજ પાલિકામાં સમાવેશ થતા લાખોના ખર્ચે નાખવામાં આવેલી પીવાના પાણીની લાઈનનો લોકાર્પણ કરી પાણી વિતરણ કરાયો હતો. જે પ્રસંગે કેટલાક વિસ્તારોમાં વારંવારની રજૂઆત બાદ પણ પીવાનું પાણી નહીં મળતા રહીશોએ લોકાર્પણ પ્રસંગે આવેલા પાલિકાના અધિકારીઓનો ઘેરાવો કર્યો હતો.
વડોદરા શહેરના છેવાડા આવેલ અને જિલ્લા પંચાયત સમાવિષ્ટ વેમાલી ગામના રહીશો વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરતા આવ્યા છે, જે અંગે વારંવાર રજૂઆત કરાઈ હતી પરંતુ તેઓના પાણીની સમસ્યાનો નિરાકરણ થયું ન હતું. આ દરમિયાનમાં વેમાલી ગામનો સમાવેશ કોર્પોરેશનમાં કરાતા ગ્રામજનોને પીવાના પાણીની સમસ્યાનો નિરાકરણ આવશે તેવી આસ જાગી હતી પરંતુ ત્યારબાદ પણ સમસ્યા જેમની તેમ જ રહેતા રહીશો દ્વારા જિલ્લા પંચાયત બાદ વડોદરા મહાનગર સેવાસદનમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ વિવિધ વિરોધ પ્રદર્શનો પણ યોજ્યા હતા, ત્યારબાદ હરકતમાં આવેલ વડોદરા મહાનગર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ગામમાં પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાણીની લાઈનનો નેટવર્ક પાત્રમાં આવ્યું છે, જે નેટવર્ક અંતર્ગત સોમવારે પાણીની લાઈનનું લોકાર્પણ કરી 9 લાખ લિટર પાણી વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરા મેયર નિલેશ રાઠોડ, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ સહિતના મહાનુભાવો પછી રહ્યા હતા.
સ્થાનિક યુવાને પાણી પુરવઠા અધિકારી અમૃત મકવાણાનો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે, શાંતિથી શેની વાત થાય, લોકોને પાણીની તકલીફ કેટલી છે, તમને ખબર છે? એક વખત આવો તો ખરા તમે, શેની શાંતિ હોય. એક દિવસ અહીં આવીને રોકાવ. આ લોકો બોલતા નથી એટલે આ લોકોને ચલાવી જ ન લેવાના હોય. તમે અહીં આવ્યા છો ક્યારે? કોઈ દિવસ અહીં પૂછવા આવ્યા છોં? તમે અમારા એરિયાના એન્જિનિયર છો? એસીમાંથી બહાર નીકળો ને. તમે કોર્પોરેશનના એન્જિનિયર છો તો આ તમારે એરિયામાં જ આવે છે ને.. તમે કેમ આવતા નથી કે, તકલીફ પડે છે તો અમારે શું કરવાનું? બોલો પાણી ક્યારે આવશે એ કહો ને.
આ ઉપરાંત સ્થાનિક કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર પણ સ્થાનિકો રોષે ભરાયા હતા અને જણાવ્યું હતું કે, રોડ, રસ્તા અને પાણી તો બેઝિક જરૂરિયાત છે. એના માટે મંજૂરી થોડી લેવાની હોય. પાણી તો મળવું જ જોઈએ. આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયરને પણ ઉગ્ર રજૂઆતો કરી હતી.
ઉલ્લેખનીય છે કે, વેમાલી ગામનો કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ પણ રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત જોવા મળી રહ્યા છે. અનેક વખત રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા સ્થાનિકોએ તાજેતરમાં જ બાઈક રેલી યોજી વિરોધ કર્યો હતો. વેમાલીમાં પાણી, સ્ટ્રીટ લાઈટ, ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાની કામગીરી અધૂરી છે. સમયસર વેરો ભર્યા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ ન મળતા વેમાલી વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.