- લાભાર્થીઓએ પેનલ્ટી માફ કરવા તેમજ મકાનોમાં આંતરીક અને બાહ્ય કામગીરી બાકી છે તે પૂર્ણ કરી મકાનો ફાળવવામાં આવે તેવી માગ કરી
- ગોરવાના દશામાતાના મંદિર પાસે EWS યોજના અંતર્ગત 1560 મકાનો બનાવાયા છે, લિફ્ટ-પાણીની સુવિધા નથી, ફાયર સિસ્ટમ બંધ છે
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવાના દશામાતાના મંદિર પાસે બનાવવામાં આવેલ સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-3ના રહીશોને મકાન મળે મળે તે પહેલા જ પેનલ્ટી ફટકારવામાં આવતા રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે. લાભાર્થીઓએ આજે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસે જઈને હોબાળો મચાવ્યો હતો અને પેનલ્ટી માફ કરવા માટેની ઉગ્ર માંગણી કરી હતી અને ઝડપથી મકાનો ફાળવવામાં આવે તેવી પણ માંગ કરી હતી.
સરકાર દ્વારા શહેરોમાં દરેક પરિવારનું પોતાનું ઘર બને તે માટે વિવિધ યોજનાઓ અંતર્ગત આવાસ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આવી જ આર્થિક રીતે નબળા લોકો (EWS) માટે આવાસ યોજના સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગોરવાના દશામાતાના મંદિર પાસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ-3 નામથી 1-BHK (35 સ્ક્વેર મીટર) 1560 મકાનો બનાવવામાં આવ્યા છે.
જોકે, આવાસોમાં આંતરીક અને બાહ્ય કામગીરી બાકી હોવાના કારણે લાભાર્થીઓ મકાનોમાં રહેવા જઈ શકતા નથી. આજે લાભાર્થીઓ વહેલી તકે મકાનો મળે તે માટેની રજૂઆત કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડની કચેરીમાં પહોંચ્યા હતા અને સત્તાવાળાઓને મકાનોમાં 45 જેટલી આંતરીક અને બાહ્ય કામગીરી બાકી છે તે કરી આપવા માટે રજૂઆત કરી હતી. આ ઉપરાંત બોર્ડ દ્વારા જે પેનલ્ટી પણ માંગવામાં આવી રહી છે, તે પેનલ્ટી રદ કરવા માંગ કરી હતી.
લાભાર્થી જયપ્રકાશ વણકરે જણાવ્યું છે કે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો 2022થી તૈયાર થઇ ગયા છે પરંતુ, બોર્ડ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવતા ન હોવાથી લાભાર્થીઓને મકાનો મળી રહ્યા નથી. આ ઉપરાંત અમારી લોન શરૂ થાય તે પહેલા જ અમને પેનલ્ટી ફટકારવામાં આવી છે. તે અમારી પેનલ્ટી માફ કરવા માટે અમે અરજી કરીએ છીએ. એક તરફ અમે ભારત મકાનમાં રહીએ છીએ અને બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ પેનલ્ટી ફટકારી છે. 70 હજાર રૂપિયા જેટલી પેનલ્ટી કરી છે. સુવિધાઓ નથી, લિફ્ટ-પાણીની સુવિધા નથી, ફાયર સિસ્ટમ બંધ છે. લાઈટો ચાલુ નથી. તમારી હાલત કફોડી બની ગઈ છે જલ્દીથી મકાનો તૈયાર કરીને પાડી દેવામાં આવે તેવી માગણી છે.
દિવ્યાંગ લાભાર્થી ગણપતભાઈ વણકરે જણાવ્યું હતું કે, અમે આર્થિક રીતે પછાત હોવાના કારણે હાઉસિંગ બોર્ડમાં મકાન લઇ રહ્યા છે પરંતુ, આજે મકાનોમાં પ્રાથમિક સુવિધાની તમામ કામગીરી અધૂરી છે. મારા પર આખા પરિવારની જવાબદારી છે, હું મકાનનું ભાડું ભરું છું અને બીજી તરફ 30 હજાર રૂપિયા પેનલ્ટી કરી છે. મને એ સમજાતું નથી કે મારે શું કરવું? પેનલ્ટી માફ કરવી જોઇએ.
લાભાર્થીઓએ કરેલા આક્ષેપો અંગે ગુજરાત હાઉસિંગ બોર્ડના એક્ઝીક્યુટીવ એન્જિનિયર અમિત માનગરે જણાવ્યું હતું કે, એમના જ મકાનો છે એટલે અમારે એમને મકાન ઝડપથી ફાળવી દેવાના છે. મારી દરરોજ હેડ ઓફિસમાં વાત થાય છે, હાલ વહીવટી પ્રક્રિયા ચાલી રહી છે. અમે ઝડપથી લાભાર્થીઓને મકાન ફાળવવાની કામગીરી કરી દઈશું.