- પુરુષોત્તમનગર સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાએ કહ્યું, સોસાયટીમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને અમે ત્રણ દિવસ પાણી વચ્ચે રહ્યા
શહેરમાં પૂરની પરિસ્થિતિ બાદ હજી અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે. વડોદરાના રેસકોર્સ સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીમાં હજી પાણી ભરાયેલા છે જેને લઈને લોકોમાં આક્રોશ છે. બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલા પુરુષોત્તમનગર સોસાયટીમાં રહીશોએ સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓએ પ્રવેશ કરવો નહીં તેવા બેનર લગાવ્યા છે. શહેરમાં કેટલાક દિવસથી ભાજપના નેતાઓ તેમના વિસ્તારમાં જાય છે તો તેમને લોકોના રોષનો ભોગ બનવું પડે છે.
વડોદરા શહેરમાં ભયાનક પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં હજી અનેક એવી સોસાયટીઓ છે જ્યાં પૂરના પાણી ભરાયેલા છે. સાત દિવસ બાદ પણ સોસાયટીમાં પાણી ભરાયેલા રહેતા લોકોમાં હવે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરાના રેસકોર્સના સર્કલ પાસે આવેલી પસાભાઈ પાર્ક સોસાયટીમાં હજી પણ પાણી ભરાયેલા રહેતા લોકોએ આક્રોશ વ્યક્ત કરી મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ સાથે જઈને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચારી હતી.
પસાભાઈ પાર્ક સોસાયટીમાં રહેતા રહીશોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, સાત દિવસ થઈ ગયા તેમ છતાં અમારી સોસાયટીમાંથી હજી પાણી ઉતર્યા નથી. અમારી સોસાયટીમાં સિનિયર સિટીઝન રહે છે. ગંદકી હોવાથી રોગચાળોનો ભય પણ સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા અમારી સોસાયટીમાં કોઈ કામગીરી કરવામાં આવી નથી. આજે કોઈ કામગીરી કરવામાં નહીં આવે તો આવતીકાલે એની મ્યુનિસિપલ કમિશનરની ઓફિસ બહાર જઈને બેસી જવાના છીએ.
બીજી તરફ અકોટા વિસ્તારમાં આવેલ પુરુષોત્તમનગર સોસાયટીના ગેટ પર રાજકીય નેતાઓના વિરોધમાં બેનર લગાવવામાં આવ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, આ સોસાયટીમાં કોઈપણ રાજકીય પક્ષના નેતાઓ કે કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં. સોસાયટીમાં રહેતી સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાં પૂરના પાણી ઘૂસી ગયા હતા અને અમે ત્રણ દિવસ સુધી સતત પાણી વચ્ચે રહ્યા હતા. અમારી બે BMW અને MG કાર પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આખી સોસાયટીમાં આવી હાલત થઈ ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં આવેલા ભયાનક પૂરને કારણે લોકો સતત ત્રણ દિવસ સુધી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા હતા. લોકોએ પૂર દરમિયાન શાકભાજી, દૂધ અને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો. જેને પગલે વડોદરા વાસીઓમાં શાસક પક્ષો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.