ભાયલી આવાસમાં રહેતા રહીશોને યોગ્ય સુવિધા ન મળતાં રોષ, છ મહિનામાં જ બારણાં તૂટવા લાગ્યાં!

વારંવાર હાઉસિંગ બોર્ડની ઓફિસે જઈ અમારી રજૂઆત કરવા છતાં કોઈ સાંભળતું નથી

MailVadodara.com - Residents-living-in-Bhyli-housing-are-outraged-by-not-getting-proper-facilities-the-doors-started-breaking-within-six-months

- સોસાયટીમાં પુલને થાંભલા નથી, રોડ બરાબર નથી, બ્લોક પણ બેસી ગયા છે, પાણીની સમસ્યા વધુ છે, ડ્રેનેજ-ટોઇલેટના પાઇપ ઊંધા નાખ્યા છે : રહીશ

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ આવાસ યોજનાના મકાનો રહેતાં રહીશો આજે ભેગા થઈ મકાનોમાં આપાયેલી અધૂરી સુવિધાનો લાભ આપવામાં આવે તેવી માગ સાથે રોષ વ્યક્ત કર્યો હતો. અહીં PM1AY ભાયલી અર્બન રેસીડેન્સી-2 હાઉસિંગ બોર્ડનાં મકાનો આવેલા છે. જેમાં બિલ્ડર દ્વારા યોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ ન કરતા અને કામ યોગ્ય ન થયું હોવાના આક્ષેપો સાથે સ્થાનીકો ભેગા થઈ સુવિધા માટે માગ કરી હતી.


શહેરના ભાયલી ખાતે આવેલ અર્બન રેસીડેન્સી-2 હાઉસિંગમાં રહેતાં સ્થાનિકોની માગ છે કે, યોગ્ય પ્રમાણમાં પાણી મળતું નથી, જેથી બોરિંગ કરી આપવું જોઈએ. સાથે મકાનોમાં આવતું પાણી માટે લગાવેલ પાઇપો અને ગટર કનેક્શન યોગ્ય કરી આપવાની માગ કરી હતી. લોકોનું કહેવું છે કે, અમે વારંવાર હાઉસિંગ બોર્ડની ઓફિસે જઈ અમારી રજૂઆત કરી છે, છતાં કોઈ સાંભળતું નથી. હાઉસિંગ બોર્ડનાં બિલ્ડરની ઓફિસ અર્બન રેસીડેન્સી-2 હાઉસિંગમાં છે. બિલ્ડર દ્વારા ખાલી કરવા જતાં સ્થાનિક લોકોએ તેમની ઓફિસ ખાલી કરવા દીધી ન હતી અને પહેલા જે સુવિધાઓ અધૂરી છે તે પૂરી પાડવા અંગે જણાવ્યું છે. બાદમાં જ ઓફિસ ખાલી કરવા લોકો કહી રહ્યા છે.


આ અંગે સ્થાનિક મહિલા વૈશાલી ટેલરે જણાવ્યું હતું કે, હું જ્યારથી હું અહી આવી છું, ત્યારથી અહીં પાણીનો એટલો બધો પ્રોબ્લેમ છે કે પીવાનું પાણી પણ યોગ્ય મળતું નથી. આ બધાજ એપાર્ટમેન્ટ વચ્ચે એક જ બોર છે, એટલા બધા એપાર્ટમેન્ટમાં ક્યાંથી પાણી પહોંચશે. ટેન્કર આવે છે, પરંતુ આટલા બધા લોકોને કઈ રીતે પાણી પહોંચાડી શકાય. ઓફિસ તે લોકો ખાલી કરવાનું કહે છે. ખાલી કરે તેનો વાંધો નથી, પરંતુ અમારું કામ કરે પછી જાય. આજે મકાનને છ મહિના પણ થયા નથી, એટલામાં મકાનના બારણાં તૂટવા લાગ્યા છે.


આ અંગે સ્થાનિક રહીશ તુલસી સોમેશ્વર મંડલે જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે મહિનાથી અહીં ઊભી થયેલી આ સુવિધાઓને પગલે અરજી કરેલી છે, છતાં કોઈ કામ કરી આપતા નથી. સોસાયટીમાં પુલને થાંભલા નથી, રોડ બરાબર નથી, બ્લોક બેસી ગયા છે. ડ્રેનેજ અને ટોઇલેટના પાઇપ ઊંધા નાખ્યા છે. અમેને દિવાળી પછી કરી આપવાની વાત કરી હતી, પરંતુ એન્જિનિયર કેબિલ્ડર કોઈ વાત સાંભળતા નથી. અહીંયા પાણીની સમસ્યા વધુ છે. અહીં બોર કરી આપે તે અમારી પ્રાથમિક જરૂરિયાત છે. પાણી ખારું આવે તો પણ ચાલે, પરંતુ અહીં તો પાણી જ નથી આવતું.

Share :

Leave a Comments