- ઓપીડીથી બરોડા મેડિકલ કોલેજ સુધી રેલી કાઢીને ડીનને આવેદન આપ્યું
કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સતત બીજા દિવસે વડોદરાની સયાજી હોસ્પિટલના રેસિડેન્ટ તબીબો હડતાલ પર છે. રેસિડેન્ટ તબીબોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત સયાજી હોસ્પિટલની ઓપીડીથી બરોડા મેડિકલ કોલેજ સુધી રેલી કાઢીને ડીનને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન તબીબોએ ‘વી વોન્ટ જસ્ટિસ, સુરક્ષા નહીં તો સેવા નહીંના નારા લગાવ્યા હતા. આ ઉપરાંત આઇએએમએ વડોદરા દ્વારા પણ હડતાલમાં જોડાવાનું એલાન કરતા ખાનગી હોસ્પિટલોની ઓપીડી પણ બંધ રહી છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં આજે સતત બીજા દિવસે પણ સવારે ઓપીડીમાં દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે હોસ્પિટલ સત્તાધીશોએ મેડિકલ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરને જવાબદારી સોંપી હતી. જ્યારે 800 રેસિડન્ટ અને જુનિયર તબીબોએ સયાજી પરિસરમાં રેલી કાઢી બરોડા મેડિકલ કોલેજના ડીન આશિષ ગોખલેને આવેદન આપી સુરક્ષા વધારવા માગ કરી હતી. આ ઉપરાંત હોસ્પિટલ પરિસરમાં અપ્રિય ઘટના ન બને તે માટે રાવપુરા પોલીસે બંદોબસ્ત ખડક્યો હતો.
JDA પ્રમુખ ડૉ. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, આ દેશવ્યાપી હડતાલ વ્યક્તિગત મુદ્દાઓ માટે નથી, આ તમામ રેસિડેન્ટ ડોક્ટરોની માંગ માટેની હડતાલ છે. રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત થવી જોઈએ. હું લોકોને પણ અપીલ કરું છું કે સયાજી હોસ્પિટલમાં રાત્રિના સમયે કેટલી સિક્યુરિટી છે? તબીબો કેટલા સુરક્ષિત છે? તે આવીને જુએ. અમે લોકો માટે સતત 24 કલાક કામ કરીએ છીએ, જેથી લોકો પણ અમારા મુદ્દાઓને સમજે અને અમારી લાગણીઓને પણ માન આપે.
રેસિડેન્ટ તબીબ મુદ્રા શાહે જણાવ્યું હતું કે, કલકાતામાં બનેલી મહિલા ડોક્ટર સાથેની ઘટનામાં ન્યાય મળે અને તે ઘટનામાં જે સત્ય છે તે બહાર આવે, તે અમારી માગણી છે. આ ઉપરાંત હું જ્યાં સયાજી હોસ્પિટલમાં કામ કરું છું, ત્યાં અમારી પૂરતી સુરક્ષા હોવી જોઈએ, જે અમારો હક છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ શાહે જણાવ્યું હતું કે, આજે આઈ. એમ. એ. સહિતના વિવિધ એસોસિએશન હડતાલમાં જોડાયા છે. મારી માંગણી છે કે, ડોક્ટરના હોસ્પિટલ એરિયાને તમે સેફ ઝોન તરીકે જાહેર કરો. ડોક્ટર કે કર્મચારીઓ પર હુમલો થાય તો તેની સામે નોને બેલેબલ વોરંટ જાહેર કરો. આ ઉપરાંત હોસ્પિટલો અને ક્લિનિકમાં સીસીટીવી કેમેરા ફરજિયાત કરો. આ ઉપરાંત સરકાર એક્શનમાં આવે અને આ મામલે કડક કાર્યવાહી કરે. અમે વડાપ્રધાન મોદીને પણ આવેદનપત્ર આપવાના છીએ અને માંગ કરીશું કે, આવા જઘન્ય અપરાધ કરતા લોકો સામે કડક કરવામાં આવે અને એના માટે કડક નિયમો બનાવવામાં આવે. ડોક્ટરોને સુરક્ષા પુરી પાડવામાં આવે.