- રેસિડેન્ટ ડોક્ટરોએ નાટકના માધ્યમથી સરકાર સામે પોતાની માગણીઓ અંગે રજૂઆત કરી
- હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી, સુમનદીપ હોસ્પિટલ સહિતના 2500થી વધુ તબીબો હડતાળમાં જોડાયા, હડતાળ પર છીએ છતાં સરકારને ફર્ક પડયો નથી
વડોદરા શહેરના રેસિડેન્ટ ડોક્ટરો છેલ્લા 6 દિવસથી કોલકાતાની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ બાદ હત્યાની ઘટનામાં પીડિતાને ન્યાય અપાવવા અને ડોક્ટરોની સુરક્ષા મુદ્દે હડતાળ યથાવત રાખી છે. ત્યારે ગઈકાલે હડતાળના પાંચમાં દિવસે રેસિડેન્ટ ડોક્ટરોએ સફેદ કપડા પર લાલ થપ્પા મારીને ડોક્ટરો પર થઈ રહેલી હિંસાનો મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. આજે છઠ્ઠા દિવસે સયાજી હોસ્પિટલમાં શેરી નાટક અને ગોત્રી હોસ્પિટલમાં ગીતો ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઈને હજારો દર્દીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જ્યાં 15 ડોક્ટરની જરૂર છે ત્યાં માત્ર 4 ડોક્ટર કામગીરી કરી રહ્યા છે. ત્યારે અનેક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે સરકાર સામે નાટકના માધ્યમથી પોતાની માગણીઓ અંગે રજૂઆત કરી રહ્યા છે. કોલકાતા દુષ્કર્મ અને હત્યા મામલે શરૂ થયેલા આંદોલન હવે ગુજરાત સરકાર સામે વડોદરા શહેર જિલ્લામાં 2500 ડોક્ટરો હડતાળ પર છે. સુરક્ષાના નાટક કરતી સરકાર સામે નાટક ભજવી અનોકો વિરોધ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં મહિલા ડોક્ટરો દ્વારા ગીતો ગાઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
આ અંગે ડો. ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે, ડોક્ટર કક્ષાના વ્યક્તિઓને આ રીતે આંદોલન કરવું પડે એટલે દુર્ભાગ્ય પૂર્ણ બાબત કહેવાય. અમારા તંત્રના તો ખરા જ પરંતુ ગુજરાત સરકારના પણ કાન ખૂલ્યા નથી. અમે આ હડતાળ પર છીએ છતાં સરકારને કોઇ ફર્ક પડયો નથી. પ્રશાસનના કાન ખોલવા માટે ટૂંક સમયમાં જે પગલાં ભરવા પડશે તે ભરવા અમે તૈયાર છીએ.
વધુમાં જણાવ્યું હતું કે, આજે લોકજાગૃતિના ભાગરૂપે અમે એક નાટક રજૂ કરવાના છીએ. જો તબીબ કક્ષાના વ્યક્તિને આ રીતે પોતાની માગણીને લઈ લડત ચલાવી પડતી હોય તો સામાન્ય વ્યક્તિની વાત ગુજરાત સરકાર કઈ રીતે સાંભળતી હશે. હાલ સયાજી હોસ્પિટલ, ગોત્રી હોસ્પિટલ, પારુલ યુનિવર્સિટી, સુમનદીપ હોસ્પિટલ સહિતના 2500થી વધુ તબીબો હડતાળમાં જોડાયા છે. સુપ્રીમ કોર્ટની ટાસ્ક ફોર્સની રચનાથી જો ન્યાય મળી જતો હોય તો ભારત દેશમાં ન્યાયની જરૂર જ શું છે.