વાઘોડિયા રોડ પરની વૈકુંઠ સોસાયટીના રહીશોના 3 વર્ષથી પાણી માટે વલખાં, બાપોદ ટાંકી ખાતે રજૂઆત

સોસાયટીની મહિલાઓએ કોર્પોરેશન પાણી આપો.. પાણી આપો.. ના સુત્રોચ્ચાર કર્યા

MailVadodara.com - Representation-of-residents-of-Vaikunth-Society-on-Waghodia-Road-for-water-for-3-years-at-Valkhan-Bapod-Tank

- અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ સબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી : સ્થાનિક મહિલા


ઉનાળાની શરૂઆત થતાંની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના રહીશો છેલ્લા ત્રણ વર્ષથી પાણી માટે ટળવળી રહ્યા છે. તો બીજી બાજુ કોર્પોરેશન દ્વારા છેવાડાના વેમાલી વિસ્તારમાં 9 લાખ લિટર પાણી આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દ્વારા પાણી વેરાની વસુલાત કરવામાં આવે છે. પરંતુ, પાણીની પુરતી સુવિધા પૂરી પાડવામાં આવતી ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

કાળઝાળ ઉનાળાની શરૂઆત થતાંની સાથેજ વડોદરા શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે. રોજ બરોજ સોસાયટીની મહિલાઓ પાણીના પોકાર સાથે મોરચાઓ કાઢી રહી છે. આજે વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ સોસાયટીની મહિલાઓ બાપોદ પાણીની ટાંકી ઉપર પહોંચી ગઇ હતી અને પાણી માટે રજૂઆત કરી હતી. ઉપરાંત મહિલાઓએ સોસાયટીમાં એકઠી થઇ કોર્પોરેશન પાણી આપો.. પાણી આપો..ના સુત્રોચ્ચાર કર્યા હતા. 


વૈકુંઠ સોસાયટીના રહેવાસી ડિમ્પલબહેન પટેલ, દક્ષાબહેન રાવલ, દિપીકાબહેન સહિત મહિલાઓએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, અમો વૈકુંઠ સોસાયટીમાં રહીએ છે. છેલ્લા ત્રણ વર્ષથી સોસાયટીમાં પુરતા પ્રેશરથી પાણી આવતું નથી. અમો મોટર લગાવવા છતાં, પાણી આવતું નથી. પાણીનો પ્રશ્ન હલ કરવા માટે અનેક વખત સ્થાનિક કાઉન્સિલરો તેમજ સબંધિત વિભાગોમાં રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, પાણીનો પ્રશ્ન હલ કરવામાં આવતો નથી. અમો કોર્પોરેશન દ્વારા જે પાણી વેરો વસુલ કરવામાં આવે છે. તે પાણી વેરો ભરવા છતાં, કોર્પોરેશન દ્વારા પાણી પુરતા પ્રેશરથી આપવામાં આવતું નથી.

મહિલાઓએ એમ પણ જણાવ્યું હતું કે, હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. અત્યારથી જ પાણીની સમસ્યા શરૂ થઇ ગઇ છે. અમે પાણીવેરો ભરવા છતાં, પાણી વેચાતું લાવીને પીવાનો વખત આવ્યો છે. આજે અમો બાપોદ પાણી ટાંકી ખાતે જઇ રજૂઆત કરી હતી. જો અમારો પ્રશ્ન વહેલી તકે હલ કરવામાં નહીં આવે તો હવે કોર્પોરેશનની કચેરીએ માટલા ફોડવાનો કાર્યક્રમ રાખીશું.

બીજી બાજુ કોર્પોરેશન દ્વારા વડોદરાના છેવાડે આવેલા વેમાલી વિસ્તારમાં 9 લાખ લિટર પાણીની વ્યવસ્થાનું આજથી આયોજન કરવામાં આવ્યું હતું. આજે પાણી વિતરણ માટે પાણીનો વાલ્વ ખોલવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સાસંદ રંજનબહેન ભટ્ટ, સ્થાનિક કાઉન્સિલરો સહિત વિસ્તારના લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, કોર્પોરેશનમાં સમાવિષ્ઠ વેમાલી ગામ સહિત વિસ્તારનો પાણીનો પ્રશ્ન કોર્પોરેશન દ્વારા હલ કરવામાં આવ્યો છે.

Share :

Leave a Comments