- ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળ્યો, તેઓનું કહેવું છે કે, આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા હિટ એન્ડ રન કાયદાનો દેશભરના ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે ત્યારે મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા ઠેર-ઠેર ચક્કાજામ કરવામાં આવ્યો છે, જેના કારણે વાહનવ્યવહાર પર પણ અસર જોવા પડી રહી છે. ટ્રક ચાલકોમાં આ કાયદાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે, આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે.
ઉલ્લેખનીય છે કે, સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હિટ એન્ડ રનના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે, અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલને વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે, તો તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લૉ બિલને 25મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંજૂરી આપી દીધી હતી. જ્યાર બાદ હવે ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા બિલ હવે કાયદો બની ગયા છે. આ વિધેયકોને સંસદના શિળાળુ સત્ર દરમિયાન લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બર પસાર કરાયું હતું. રાજ્યસભામાં વિધેયકોને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી રજૂ કરાયા બાદ ધ્વનિ મતથી પસાર કરાયા હતા. જેને લઈને ચક્કા જામ કરવામાં આવ્યા હતા સાથે જ કાયદો પરત ખેંચવા માટે માંગ કરી હતી. ટાવેલ્સ ટુરીસ્ટ બસ તથા ટ્રકના ડાઈવરો દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવી સૂત્રોચાર કરી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.