- ડ્રેનેજની મેઇન ચેમ્બર પાસે જ મોટું ભંગાણ થતાં રીપેરીંગની કામગીરી હજુ દિવસ સુધી ચાલુ રહેશે : કોર્પોરેટર
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આશરે 25 દિવસ પહેલા પડેલા ભુવાનું રીપેરીંગ કામ હજી સુધી પૂરું થયું નથી. જેના લીધે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, હજુ કામ ક્યારે પૂરું થશે તે અંગે કોર્પોરેશનના તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ગયા મહિને ભારે વરસાદ દરમિયાન કારેલીબાગમાં અમિત નગર સર્કલથી પાણી ટાંકી રોડ તરફ જતા દીપિકા પાસે રોડ પર ભુવો પડ્યો હતો. ઉપરથી બહુ મોટો ન દેખાય તેવો આ ભુવો હતો પરંતુ વરસાદી સીઝન અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેની આસપાસ બેરીકેડ લગાવી દેવામાં આવ્યા હતા. બાદમાં ત્યાં ડ્રેનેજની ચેમ્બર પાસે ખોદકામ કરતા વિશાળ ગાબડું જણાયું હતું. કેમ કે નીચેથી પાઇપોમાં જ ભંગાણ થયું હતું અને તેના લીધે આ ભુવો પડ્યો હતો હાલ દીપિકા પાસે પતરા ફિટ કરી દેવામાં આવ્યા છે. ડાયવર્ઝન અપાયું છે. જેથી એક બાજુનો રોડ બંધ થઈ ગયો છે. એક જ રોડ ઉપર ડબલ ટ્રેક વાહન વ્યવહાર ચાલી રહ્યો છે. જેથી વાહનચાલકો પણ અટવાય છે અને પસાર થવામાં ખૂબ સાવચેતી રાખવી પડે છે.
ભાજપના વોર્ડ નં.7ના કોર્પોરેટરના કહેવા મુજબ, ડ્રેનેજની મેઈન લાઈનના ચેમ્બર પાસે જ આ ભંગાણ થયું છે, અને તાકીદની કામગીરી કરવા માટે કલમ 67 (3)સી હેઠળ કામ ચાલુ કરાવ્યું છે અને અઠવાડિયા દસ દિવસમાં પૂર્ણ થઈ જાય તેવી શક્યતા છે. જોકે સમા વિસ્તારમાં પણ કેટલાક દિવસો અગાઉ ભુવો પડ્યો હતો અને તેનું રીપેરીંગ કામ પણ બહુ મોટું નીકળ્યું છે.