- અહીં લાકડાંની 12 અને બે ગેસ ચિતા બનશે, મરાઠી સમાજ દ્વારા થતી વિધિ માટે વ્યવસ્થા તેમજ લેન્ડસ્કેપિંગ અને નહાવા-ધોવાની સુવિધા પણ ઊભી કરાશે
પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા 15.50 કરોડના ખર્ચે ખાસવાડી સ્મશાન કરવામાં આવનાર નવીનીકરણના કામનો શુભારંભ કાર્યક્રમ આજે કરવામાં આવ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહની હાલત જર્જરીત બની છે, ત્યારે આજથી રૂપિયા 15.50 કરોડના ખર્ચે આ સ્મશાનના રીનોવેશનની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત વિધાનસભાના દંડકના હસ્તે આ કામગીરીનો પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આખો પ્રોજેક્ટ પૂર્ણ થતાં દોઢ વર્ષ થશે. જેના કારણે સમાજના તમામ વર્ગને અગવડતા પડશે. ખાસ કરીને મરાઠી સમાજને વધુ અગવડતા પડશે. કારણ કે મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમવિધિ આ સ્મશાન ખાતે કરે છે. કામગીરી દોઢ વર્ષ ચાલુ રહેવાની હોવાથી અગવડતા ભોગવી લેવા અનુરોધ કર્યો હતો. અહીં કેન્દ્ર સરકાર હસ્તકની બે કંપનીના સીએસઆર ફંડમાંથી રીનોવેશનની કામગીરી થનાર છે. આ સ્મશાન વડોદરાનું સૌથી મોટું છે. નવીનીકરણ બાદ અહીં શ્રેષ્ઠ કક્ષાનું સ્મશાન ગૃહ મોક્ષધામ આકાર લેશે તેમ હોદ્દેદારો કહે છે. અહીં લાકડાંની 12 અને બે ગેસ ચિતા બનશે. આ ઉપરાંત મરાઠી સમાજ દ્વારા થતી વિધિ માટે પણ વ્યવસ્થા ઉભી કરાશે. લેન્ડસ્કેપિંગ તેમજ નહાવા-ધોવા માટેની સુવિધા કરવામાં આવશે. અગાઉ અહીં ચિતા પર ચોમાસા દરમિયાન સતત પાણી પડતું હોવાથી ઉહાપોહ થયો હતો. ખાસવાડી સ્મશાનગૃહ તોડી નાખીને 15.50 કરોડના ખર્ચે નવું બનાવવા અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર હસ્તકની બે કંપની પૈકી એક કંપની રૂપિયા 7.72 કરોડ અને બીજી કંપની રૂપિયા 7.56 કરોડ આપનાર છે અને કામગીરી બે તબક્કામાં કરવામાં આવશે.
ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ (બાળુ શુકલ), વડોદરા સંસદ સભ્ય રંજનબેન ભટ્ટ, મેયર નિલેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર નંદાબેન જોષી, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, પબ્લિક વકર્સ સમિતિ અધ્યક્ષ રાખીબેન શાહ, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, વડોદરા શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ, ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજના પૂજારી વિક્રમ ખિડકીકર અને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં ખાસવાડી સ્મશાન કરવામાં આવનાર નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.