આફતરૂપી ત્રાટકેલા વાવાઝોડાથી તૈયાર પાક નિષ્ફળ, શહેર-જિલ્લામાં બાજરી, કેળા, કેરીના પાકને નુકસાન

20 મિનિટ માટે આવેલા વાવાઝોડાએ શહેર-જિલ્લાના ખેડૂતોનો કોળિયો છીનવી ગયું!!

MailVadodara.com - Ready-crops-failed-due-to-disastrous-storm-damage-to-millet-banana-mango-crops-in-city-district

- સરકાર દ્વારા સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી


બિન મોસમ ત્રાટકેલા તોફાની વાવાઝોડાએ વડોદરા શહેર-જિલ્લાના ખેડૂતોમાં તારાજી સર્જી છે. વડોદરા જિલ્લામાં 80 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવને જનજીવન તહસ નહસ કરી નાખ્યું હતું. તો બીજી તરફ ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવે તેવો ઘાટ સર્જાયો છે. કારણ વડોદરા જિલ્લામાં ખેડૂતોએ કેળ, બાજરી અને કેરીના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ અચાનક ત્રાટકેલા વાવાઝોડાએ પથારી ફેરવતા પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાની થયું છે. આ અંગે સરકાર પાસે આશા રાખીને બેઠલા ખેડૂતોએ કહ્યું કે, સરકાર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી આશા.


વડોદરા શહેરની આસપાસ આવેલા સોખડા, છાણી, દશરથ, મોતિયાપુરા, લાલપુરા મિરસાપુરા અને સાંકરદા સહિતના ગામોમાં કેળ અને બાજરીના પાકને નુકશાન થયું છે. એક વર્ષથી મહેનત કરીને તૈયાર કરેલા કેળનો પાક કાપણીની તૈયારીમાં હતો, ત્યારે જ 20 મિનિટ આવેલા વાવાઝોડાએ ખેડૂતોનો કોળિયો છીનવી ગયું છે. કેળના પાકને 45 ટકા જેટલું નુકસાન હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. વાવાઝોડા માત્ર કેળના પાકને જ નહી પરંતુ બાજરી, મગ અને કેરીના પાકને પણ નુકસાન કર્યું છે.

કેળાની વાત કરીએ તો 14 મહિનાના આ પાકમાં ખેડૂત ખાતર, પાણી, દવાનો ખર્ચ કરીને પાક તૈયાર કરે છે, ત્યારે તૈયાર થયેલો પાક મે-જૂન મહિનામાં ઉતારવાનો હોય છે પરંતુ આફતરૂપી ત્રાટકેલા વાવાઝોડાએ તૈયાર થયેલા પાકને નિષ્ફળ બનાવ્યો છે. તો બીજી તરફ બાજરીના ખેતરની દુર્દશા જોઈને ખેડૂતોએ માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે. માત્ર 20 મિનિટના વાવાઝોડાએ ખેડૂતોના એક વર્ષની મહેનતને તહસ નહસ કરી નાખી છે, આ ઉપરાંત શિનોર પંથકમાં આંબા પરથી મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે. જેથી આંબા વાડિયા ધરાવતા ખેડૂતોની હાલત અંત્યત કફોડી બની ગઈ છે. આ ઉપરાંત એરંડા અને શેરડીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ત્યારે જગતનો તાત આશા રાખી રહ્યો છે કે, સરકાર સર્વે કરી સહાય ચુકવે જો સરકાર વહેલી તકે સહાય નહીં ચૂકવે તો ગરીબ ખેડૂત દેવાના ડુંગર તળે દબાય તેવી ભિતી છે.


સોખડાના ખેડૂત સુરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, અમારે ત્યાં કેળના પાકને 50 ટકાથી વધુ નુકસાન થયું છે. 700થી 800 જેટલા પ્લાન્ટ જમીનદોસ્ત થઈ ગયા છે. અમારા પાક તૈયાર હતા અને માવઠું થતા અમારે ખેડૂતોને આત્મહત્યા કરવાનો વારો આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જેથી સરકાર વળતર આપે તો અમને મદદ મળી શકે તેમ છે. વર્ષ

2023ના જૂન મહિનામાં કેળની વાવણી કરી હતી અને હવે પાક લેવાની તૈયારી હતી. તે સમયે અમારો પાક નિષ્ફળ ગયો છે. કેળના પાક માટે બેથી ત્રણ લાખનો ખર્ચ કર્યો હતો અને હવે એક લાખનો માલ મળી શકે તેમ નથી. જેથી અમારે ખેડૂતોને આ વખતે નુકસાની ભોગવવાનો વારો આવે તેમ છે. જેથી સરકાર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી અમારી માગણી છે.


શિનોર તાલુકાના દિવર ગામના ખેડૂત પિન્ટુ પટેલે જણાવ્યું હતું કે, અમારે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. કરજણ અને શિનોર તાલુકામાં 500 એકર જમીનમાં ખેડૂતોએ આંબાનું વાવેતર કર્યું છે. તે તમામ ખેડૂતોને નુકસાન થયું છે. આંબા વાડિયા ધરાવતા ખેડૂતોની હાલત અંત્યંત કફોડી બની ગઈ છે. આ ઉપરાંત એરંડા અને શેરડીના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. જેથી સરકાર સર્વે કરીને યોગ્ય વળતર આપે તેવી અમારી માંગણી છે.

Share :

Leave a Comments