રાવપુરાની એ. રોય મેડિકલ સ્ટોરમાં મધરાત્રે આગ, સ્ટોરનો સામાન સંપૂર્ણ બળીને ખાક થઇ ગયો

મોડી રાત્રે લાગેલી આગના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો

MailVadodara.com - Ravpurani-A.-Midnight-fire-in-Roy-Medical-Store-the-goods-of-the-store-were-completely-burnt

- આગ લાગવાનું કારણ હજુ અકબંધ, વીજ કંપની દ્વારા વીજ પુરવઠો બંધ કરાયો હતો, આસપાસની દુકાનોના માલિકો પણ દોડી આવ્યા હતા


શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલી એ. રોય નામના જુના મેડિકલ સ્ટોરમાં મધરાત્રે આગ ફાટી નીકળી હતી. આ બનાવમાં ફસાયેલા બે વ્યક્તિને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આગ વધુ પ્રસરે તે પહેલાં સ્થળ ઉપર પહોંચેલા ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબુમાં લઇ લીધી હતી. જોકે, આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં સ્ટોરની અંદરનો સામાન બળીને ખાક થઇ ગયો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં પણ મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી.


મળેલી માહિતી પ્રમાણે મોડી રાત્રે રાવપુરાના મુખ્ય માર્ગ પર આવેલી એ. રોય નામની જાણીતા મેડિકલ સ્ટોરમાં આગ લાગી હતી. જોત જોતામાં મેડિકલ સ્ટોર ચારેય તરફથી આગની જ્વાળાઓમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરો તથા વીજ કંપનીના કર્ચમારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વીજ કંપની દ્વારા સાવચેતીના ભાગરૂપે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો. તે બાદ ફાયર બ્રિગેડ દ્વારા પાણી મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.


મોડી રાત્રે લાગેલી આગના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગની જ્વાળાએ વિકરાળ હોવાથી આસપાસમાં તેની લપેટમાં કોઇ આવી જાય તેવી શક્યતાઓ પ્રબળ હતી. જોકે, ફાયર બ્રિગેડના લાશ્કરોએ આગ વધુ પ્રસરે તે પહેલાં આગ કાબુમાં લઇ લીધી હતી. પરિણામે વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતી. આ ઘટનાને પગલે આસપાસની દુકાનોના માલિકો પણ દોડી આવ્યા હતા.


દાંડિયાબજાર સબ ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, આગના બનાવની જાણ થતાં 4 વાહનો સાથે 20 જવાનો સાથે સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ ઘટનામાં સ્ટોરની પાછળ રહેતા બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ પાણી મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. ફાયરના લાશ્કરોએ બહારથી આગને શાંત કર્યા બાદ દુકાનનું શટર તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અને ત્યારબાદ આગ પર સંપૂર્ણ પણે કાબુ મેળવી લેવામાં આવી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

Share :

Leave a Comments