- એક બાજુ શહેરમાં લોકોને ચોખ્ખું અને પ્રેશરથી પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ આવા લીકેજના કારણે ચોખ્ખું પાણી વિના કારણે વેડફાઈ રહ્યું છે
વડોદરા શહેરમાં પીવાના પાણીની લાઈનમાં લીકેજના બનાવો સતત વધી રહ્યા છે, અને તેના કારણે હજારો લિટર પીવાનું ચોખ્ખું પાણી નકામું રોડ પર થઈને ગટરમાં વહી રહ્યું છે. શહેરના ભરચક ગણાતા રાવપુરા ટાવર ચાર રસ્તા પર બે દિવસથી પાણીની રેલમછેલ છે. નજીકમાં જ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ પણ છે, છતાં લીકેજ રીપેર થઈ શક્યું નથી. રાવપુરા ટાવર ચાર રસ્તા પર જ લીકેજના લીધે સવારે પાણી રોડ પર ફરી વળે છે, જેના કારણે પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકોને તકલીફ પડે છે. એક બાજુ શહેરમાં લોકોને ચોખ્ખું અને પ્રેશરથી પાણી મળતું નથી, જ્યારે બીજી બાજુ આવા લીકેજના કારણે ચોખ્ખું પાણી વિના કારણે વેડફાઈ રહ્યું છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ગઈકાલે બજેટ અંગેની સમગ્ર સભા મળી તેમાં પણ ભાજપના એક કોર્પોરેટરે કહ્યું હતું કે, શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર ઉમા ચાર રસ્તા પાસે પીવાનું શુદ્ધ પાણી છેલ્લા એક વર્ષથી વરસાદી ગટરમાં વહી રહ્યું છે. એક વર્ષ અગાઉ આ પ્રશ્ન અંગે રજૂઆત કરી હતી, છતાં તંત્ર હજી સુધી તેનો ફોલ્ટ શોધી શક્યું નથી. આ વિસ્તારમાં આમ પણ પાણીના પ્રેશરના પ્રશ્નો છે. ઉમા ચાર રસ્તા, ચિત્રકૂટ, પનઘટ પાર્ક, શુકલાનગર વગેરે વિસ્તારમાં પાણી પ્રેશરથી મળતું નથી. લોકો પાણીનો વેરો ભરે અને પાણી આ રીતે નિરર્થક વેડફાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ છાણી કેનાલ રોડ પર છાણી એસટીપીથી ખોડીયાર નગર જવાના રસ્તે પાણીની મુખ્ય લાઈનમાં છેલ્લા કેટલાક દિવસથી ભંગાણ હતું અને આ વિસ્તારની અસંખ્ય સોસાયટીઓમાં પાણીની રામાયણ હતી. ફોલ્ટ પકડાતો ન હતો. પરંતુ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તોડી નાખતા 15 દિવસ સુધી પાણી વેડફાયું હતું અને લોકોને વિના કારણે સહન કરવાનો વારો આવ્યો હતો.