ડભોઈમાં દુષ્કર્મ આચરી સગીરાને માતા બનાવનાર બે હવસખોર યુવાનો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ

31 જુલાઇએ સગીરાએ બાળકને જન્મ આપી ઝાડી-ઝાંખરામાં ત્યજી દીધું હતું

MailVadodara.com - Rape-case-filed-against-two-greedy-youths-who-mothered-minor-in-Dabhoi

- પોલીસે બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં, ધરપકડ બાદ બંને આરોપીના DNA ટેસ્ટ કરાયા બાદ સગીરાના પુત્રના પિતા નક્કી થશે

ડભોઈ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરી માતા બનાવનાર બે હવસખોર યુવાનો સામે ડભોઈ પોલીસ મથકમાં દુષ્કર્મ (પોક્સો)ની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. બે હવસખોરોમાંથી સગીરાના પુત્રના પિતા DNA ટેસ્ટ નક્કી કરશે.

સમગ્ર જિલ્લામાં ચકચાર જગાવનાર ડભોઈમાં માતા બનેલી સગીરા પ્રકરણમાં સગીરાની માતાની ફરિયાદના આધારે બાણેજ ગામના વિશાલ વિનોદભાઈ વસાવા અને કરણ કમલેશભાઈ વસાવા સામે ડભોઈ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. બે હવસખોરો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.


સગીરાને માતા બનાવનાર વિશાલ વસાવા અને કરણ વસાવાની ધરપકડ બાદ તેઓના બ્લડ સેમ્પલ અને સ્પર્મના નમૂના DNA ટેસ્ટ કરાવવા માટે લેવામાં આવશે. સુરત FSLમાં તપાસ માટે મોકલી આપવામાં આવશે. સગીરા અને તેના નવજાત બાળકના બ્લડ સેમ્પલ અગાઉ DNA માટે મોકલી આપવામાં આવ્યા છે. પંદરથી એક માસ દરમિયાન સંભવતઃ DNA રિપોર્ટ આવ્યા બાદ માતા બનેલી સગીરાના પુત્રના પિતા નક્કી થશે. પિતા નક્કી થયા બાદ તેની સામે વધુ કલમોનો ઉમેરો કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, બાળકને જન્મ આપી ત્યજી દેનાર સગીર માતા અને 2 કિલોના નવજાત બાળકને સારવાર આપવામાં આવી રહી છે.

ડભોઈ પોલીસ મથકના પી.આઇ. શૈલેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, તા. 31 જુલાઇની સવારે તાલુકાના એક ગામની સીમમાં સગીરાએ 2 કિલો વજનના તંદુરસ્ત નવજાત બાળકને જન્મ આપી, ઝાડી ઝાંખરામાં ત્યજી દીધું હતું. કાંટાળા ઝાંખરામાં ત્યજી દેવાયેલા બાળકની જાણ પોલીસને થતાં, તુરંત જ 108 એમ્બ્યુલન્સમા નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યું હતું. તે બાદ બાળકની માતાની ઓળખ થતાં અને તેની તબિયત પણ ખરાબ હોવાથી બાળક સાથે સારવાર આપવામાં આવી રહી છે. હવે આ બનાવની વધુ તપાસ ICUWના પીઆઇ આર.એન. રાઠવા કરી રહ્યા છે.


ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ સગીરાની ડિલિવરી કુદરતી રીતે થઈ છે કે પછી કોઈ આયા દ્વારા કરાવવામાં આવી છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સગીરા ગર્ભવતી હતી ત્યારે ગામમાં જ પરિવાર સાથે હતી? કે પછી અન્ય જગ્યાએ મોકલી દેવામાં આવી હતી? સગીરા ગર્ભવતી હતી ત્યારે તેને હવસનો શિકાર બનાવનાર યુવાનોએ સગીરા અને તેના પરિવારને ધમકીઓ આપી હતી? આ તમામ દિશામાં ડભોઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવની તપાસ ICUWના પીઆઈ આર.એન. રાઠવા અને ડભોઈ પોલીસ મથકના પીઆઇ શૈલેન્દ્રસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એલ.એચ. ગોહિલ પણ કરી રહ્યા છે.

Share :

Leave a Comments