નર્મદા ભવનમાં નાગરિકોના કામ કરી આપતા છ વચેટિયાઓને રાવપુરા પોલીસે ઝડપી પાડયા

એજન્ટો પાસેથી અલગ-અલગ અરજદારોના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા

MailVadodara.com - Raopura-police-nabbed-six-middlemen-who-were-doing-citizens-work-in-Narmada-Bhavan

- પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


વડોદરાના નર્મદા ભવનમાં સરકારી કામ માટે આવતા નાગરિકોના કામ કરી આપતા છ એજન્ટને રાવપુરા  પોલીસે ઝડપી પાડયા છે. તેઓની પાસેથી અલગ-અલગ અરજદારોના દસ્તાવેજો પણ મળી આવ્યા હતા. એજન્ટો દ્વારા અરજદારો પાસેથી આર્થિક લાભ પણ લેવામાં આવતો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

નર્મદા ભવન જનસેવા કેન્દ્રના મેનેજર ત્રિકમભાઇ પટેલે રાવપુરા  પોલીસને જાણ કરી હતી કે, નર્મદા ભવન કંપાઉન્ડમાં આવકના દાખલા તથા રેશન કાર્ડની કામગીરી માટે આવતા નાગરિકો પાસેથી વચેટિયાઓ ઉચ્ચક રકમ મેળવીને કામગીરી કરે છે.જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા નૌમાન ઇબ્રાહિમભાઇ રાજ, ઉવેશ ઇબ્રાહિમભાઇ રાજ (બંને રહે.બીનાનાર સોસાયટી, તાંદલજા), હરિહર ખોડાભાઇ ચૌહાણ (રહે. જે.પી. નગર, કિશનવાડી, આજવારોડ), કૃણાલ પરસોત્તમદાસ પ્રજાપતિ (રહે.જગન્નાથ ફ્લેટ, પ્રતાપનગર પાસે), દિપક ગુલાબચંદ ચૈનાની (રહે.શારદા સોસાયટી, વારસિયા) તથા તાયરાબીબી મહંમદભાઇ શેખ (રહે.નવાપુરા, ખાટકીવાડ) મળી આવ્યા હતા. નૌમાન તથા ઉવેશ પાસેથી પાસેથી સ્વ ઘોષણા યોજનાના એનેક્ષરના કોરા ફોર્મ મળી આવ્યા હતા. હરિહર પાસેેથા ગંગાબેન નામની મહિલાનું ગંગા સ્વરૂપ યોજનાનું ફોર્મ તેમજ તેને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા. દિપક પાસેથી વિધવા સહાય યોજનાનું ફોર્મ મળી આવ્યું હતું. તાયરાબીબી પાસેથી રેશન કાર્ડનું કોરું ફોર્મ મળી આવ્યું હતું. તેમજ રાજેન્દ્રકુમારના ડોક્યુમેન્ટની નકલ મળી આવી હતી. તમામ આરોપીઓ નર્મદા ભવનમાં આવતા અરજદારો પાસેથી રૂપિયા લઇ સરકારી કચેરીઓમાંથી તેઓના કામ કરાવી આપતા હોવાનું જણાઇ આવ્યું હતું. તેઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોરીને આર્થિક લાભ લેતા હતા. પોલીસે તમામની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments