રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે મળસ્કે એક સાથે 4 દુકાનમાં આગ લાગી,દુકાનો સંપૂર્ણ બળી ખાખ

ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓએ પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો

MailVadodara.com - Raopura-Tower-near-Char-Rasta-4-shops-caught-fire-at-the-same-time-the-shops-were-completely-gutted

- જ્યુબિલિ બાગ તરફ જતો મેન રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી


વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં વહેલી સવારે એક દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવ અંગે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગને કોલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. આ બનાવને લઈ વડોદરાના તમામ ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી અને આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. આ આગ એટલી વિકરાળ બની કે, જોત જોતામાં આસપાસની દુકાનોમાં પ્રસરી હતી.


શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ટાવર ચાર રસ્તા પાસે આવેલ એ-રોય એન્ડ કંપનીની પાસેની દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા ઉપરના માળ સુધી આગ ફેલાઈ હતી. ત્યારબાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બીજી ચાર દુકાનો પણ આગમાં લપેટાઈ ગઈ હતી. જેને લઈ ફાયર વિભાગને કોલ મળતા તમામ ફાયર સ્ટેશનની 9 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો. વડોદરા શહેરના દાંડિયાબજાર, વડીવાડી, જીઆઇડીસી, પાણીગેટ, ગાજરાવાડી સહિતની તમામ ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ આગને લઈ આસપાસમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જેને પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. 


આ આગ એટલી વિકરાળ બની કે, આસપાસમાં આવેલ ચાર દુકાનને ઝપેટમાં લીધી હતી અને દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાને લઈ પોલીસ પણ દોડી આવી હતી. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી. પરંતુ દુકાનો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. આ આગ વહેલી સવારે લાગી હતી અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ તો મેળવ્યો છે પરંતુ હજુ પણ કુલિંગની કામગીરી ચાલી રહી છે.


મળતી માહિતી મુજબ દવાના જથ્થાને કારણે આગ ઝડપભેર પ્રસરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ કંપનીની ટીમ દ્વારા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે, પોલીસ દ્વારા પણ આ બનાવની તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરોક્ત બનાવને કારણે રાવપુરાથી સ્ટેશન અને જ્યુબિલિ બાગ તરફ જતો મેન રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પોલીસે વૈકલ્પિક માર્ગ દ્વારા વાહન વ્યવહાર પૂર્વ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે સ્થાનિક જયેશભાઈએ જણાવ્યું હતું કે, વહેલી સવારે એક દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગી રહ્યું છે. આ આગ ત્રણ દવાની દુકાનો અને એક બૂટની દુકાનમાં લાગી છે અને ઉપર પ્રથમ માળે લેબોરેટરી હતી. જેમાં 4 દુકાનોમાં આગ છે અને ત્રણ દુકાનો તો સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. હાલમાં ફાયર વિભાગ કામગીરી કરી રહ્યું છે.

Share :

Leave a Comments