- ભગવાન શ્રીરામના અયોધ્યા મંદિરમાં પુનઃ પ્રવેશ અને પ્રાઇડ ઓફ ભારત ટાઇટલથી વિરાટ કોહલીની બનાવેલી રંગોળીએ આકર્ષણ જમાવ્યું
વડોદરામાં દિવાળી પર્વને લઇને શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સ દ્વારા રંગોળી પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જેમાં અયોધ્યા રામ મંદિરને લઇને પુનઃ પ્રવેશ અને પ્રાઇડ ઓફ ભારત ટાઇટલથી વિરાટ કોહલીની રંગોળીએ પણ આકર્ષણ જમાવ્યું છે. આ રંગોળીઓ તૈયાર કરતા કલાકારોને 3થી લઇને 6 દિવસ સુધીનો સમય લાગ્યો હતો.
રાજ્યની કલા અને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખાતી વડોદરામાં દીવાળીના પર્વ નિમિત્તે રંગોળી પ્રદર્શનીની શરૂઆત થઈ છે. આ રંગોળીના રંગોથી તૈયાર કરવામાં આવેલ મનમોહક અને જીવંત લાગતા આબેહૂબ ચિત્રો વડોદરાના યુવા અને વરિષ્ઠ કલાકારોએ તૈયાર કર્યાં છે. જેને નિહાળવવા વડોદરાના નગરજનો આવી રહ્યા છે. અહીં 13 જેટલી રંગોળી બનાવવામાં આવી છે. જેમાં શિતેશ પાટીલ દ્વારા "પુન પ્રવેશ " અને ચેતન મોહિતે દ્વારા પ્રાઇડ ઓફ ભારત ટાઇટલથી વિરાટ કોહલીથી મનમોહક રંગોળી બનાવી છે.
શ્રી આદિત્ય ફાઇન આર્ટ્સના સંચાલક રાજેન્દ્ર ડીંડોરકરે જણાવ્યું હતું કે, અમારા વિદ્યાર્થીઓ દ્વારા આ રંગોળી પ્રદર્શન 12મું રંગોળી પ્રદર્શન છે અને તેમાં 6 બાય 4ના 13 જેટલા ચિત્રો મુકવામાં આવ્યા છે. જેમાં વિવિધ વિષયો પર રંગોળી તૈયાર કરી છે. કોઇપણ ઉંમરના એટલે કે બચપનથી પચપનના કોઇ વ્યક્તિને આ રંગોળી ગમશે. શ્રી રામના અયોધ્યા મંદિરમાં પુન પ્રવેશની રંગોળી તૈયાર કરી છે. આ ઉપરાત વિરાટ કોહલીની પણ રંગોળી એક વિદ્યાર્થીએ તૈયાર કરી છે. જેમાં પ્રાઇડ ઓફ ભારત ટાઇટલ આપ્યું છે. વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસે રેકોર્ડ પણ કર્યો છે.
રંગોળી આર્ટિસ્ટ મિતાલી ચાફેકરે જણાવ્યું હતું કે, મેં સખી નામના ટાઇટલથી રંગોળી બનાવી છે, જેને બનાવતા મને 3 દિવસ અને 3 રાત લાગ્યા છે. મારી રંગોળીમાં એક બિલાડી છે અને એક છોકરી છે અને એક ફાનસ છે. તેની લાઇટ બિલાડી અને છોકરી પર શેડો પડે છે. તે દર્શાવ્યા છે.
રંગોળી આર્ટિસ્ટ શિતેશ પાટીલે જણાવ્યું હતું કે, રાવપુરા રોડ પર કુમાર શાળા નં-1માં 6થી 17 નવેમ્બર સુધી લોકો માટે પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવ્યું છે, જે રોજ સાંજે 4 વાગ્યાથી લઇને 9.30 વાગ્યા સુધી જોવા મળશે. અહીં 13 જેટલા કલાકારો અને 3 કો-આર્ટિસ્ટે મળીને 13 રંગોળી બનાવી છે. વડોદરાની કલાનગરીમાં કલા બતાવવા માટે અમે રંગોળી પ્રદર્શન કરીએ છીએ.
રંગોળી જોવા આવેલા ભાવનાસિંગે જણાવ્યું હતું કે, આ રંગોળી વિષે મેં સાભળ્યું હતું. જોઇને ખૂબ ખુશી થઇ છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ રંગોળી બનાવી છે. ભગવાન રામ અને હનુમાનની રંગોળી એકદમ સજીવ લાગે છે. બધા આર્ટિસ્ટ્સે ખૂબ મહેનત કરીને રંગોળી તૈયાર કરી છે.