- LCBની ટીમે દરોડો પાડતાં જ સટોડીયો તુષાર ઉર્ફ પપ્પુ ચંદ્રકાંત શાહ ફરાર
વડોદરા જિલ્લાના પાદરા નગરમાં IPL ક્રિકેટ મેચો પર સટ્ટો રમાડી રહેલા બુકીના ઘરમાં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી રૂપિયા 5.39 રોકડ અને બીયરનો જથ્થો કબજે કર્યો હતો. જોકે, બુકી ફરાર થઇ જવામાં સફળ રહ્યો હતો. આ બુકી મોબાઇલ પર આઇ.ડી. દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડતો હોવાની વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે.
છેલ્લા એક માસ ઉપરાંતથી IPL ક્રિકેટ મેચ ચાલી રહી છે. સટ્ટોડીયાઓ માટે ઓનલાઇન જુગાર રમવાની મોસમ ખૂલી ગઇ છે. પોલીસ તંત્રની ચાંપતી નજર હોવા છતાં, સટ્ટોડીયાઓ મોબાઇલ ફોન દ્વારા ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યા છે ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલને માહિતી મળી હતી કે, પાદરામાં તુષાર ઉર્ફ પપ્પુ શાહ નામનો વ્યક્તિ ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો છે. જે માહિતીના આધારે ખાતરી કરાવી હતી. ખાતરી કરાવતા સટ્ટો રમાતો હોવાની હકીકત સાચી સાબિત થતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડ્યો હતો.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, પાદરા નગરમાં પ્રમુખ રેસીડેન્સી નજીક આવેલા શ્રી લીલા કોમ્પલેક્ષના ચોથા માળે રહેતા તુષાર ઉર્ફે પપ્પુ ચંદ્રકાંત શાહ દ્વારા મોબાઈલ પર આઇડી મારફતે IPL ક્રિકેટ મેચો ઉપર સટ્ટો રમાડતો હતો. LCBની ટીમે દરોડો પાડતાં જ સટોડીયો તુષાર ઉર્ફ પપ્પુ ચંદ્રકાંત શાહ ચોંકી ફરાર થઇ ગયો હતો. તેના મકાનમાંથી રોકડ રૂપિયા 5,39,210 તેમજ 14 નંગ બીયરની બોટલો મળી કુલ્લે રૂપિયા 5,40,710નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
LCBએ સટ્ટો રમાડનાર તુષાર ઉર્ફ પપ્પુ શાહ સામે પાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને મુદ્દામાલ સોંપ્યો હતો. પાદરા પોલીસે જુગાર ધારા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાદરામાં સટ્ટો રમાડતો તુષાર ઉર્ફ પપ્પુ શાહની દરોડો પડતા ચકચાર મચી ગઇ હતી.