- RPF ઓફિસની પાછળ મૂકેલી RPF કોન્સ્ટેબલની બાઇક પણ ચોરાઇ, રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
વડોદરા રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના કિંમતી સામાનની ચોરીઓની ઘટના રોકવાના બદલે પોલીસને માત્ર દારૂની એકાદ-બે બોટલના કેસ કરવામાં વધારે રસ હોય તેમ લાગી રહ્યું છે. વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં ચડતી એક મહિલાનું પર્સ ચોરી થયું હતું. માત્ર પ્રવાસી જ નહી પરંતુ આરપીએફ કોન્સ્ટેબલની બાઇકની પણ ઉઠાંતરી થઇ હતી.
વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં સંકેત ફ્લેટ્સમાં રહેતી તસ્મીત વાસણવાલા પોતાના પિયર દાહોદ જવા માટે તા.૧૫ના રોજ સવારે દહેરાદૂન એક્સપ્રેસ ટ્રેનના રિઝર્વેશન કોચમાં ચઢતી હતી ત્યારે બે અજાણી મહિલાઓએ ભીડનો લાભ ઉઠાવી તસ્મીતની બેગમાં મૂકેલું ગ્રે કલરનું મની પર્સ શિફ્તપૂર્વક ચોરી કરી લીધું હતું. આ પર્સમાં ૧૨ હજાર રોકડા તેમજ અન્ય દસ્તાવેજો હતાં. ટ્રેનમાં ચડયા બાદ જ્યારે પોતાનું પર્સ ચેક કર્યું ત્યારે અંદરથી મનીપર્સ ગાયબ હોવાની જાણ થઇ હતી અને ટ્રેનમાં ચઢેલી બે મહિલા થોડા સમય બાદ નીચે ઉતરી ગઇ હતી. જેથી તે બંને પર શંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
અન્ય બનાવમાં નવાયાર્ડ વિસ્તારમાં આરપીએફ બેરેકમાં રહેતા મૂળ મથુરાના ગજેન્દ્રસિંહ ધનપાલસિંહ જાટ તા.૧૭ના રોજ પોતાની બાઇક લઇને વડોદરા રેલવે સ્ટેશન પર સવારે ડયૂટી પર આવ્યા હતા અને રાત્રે ઘરે પરત જવા માટે આરપીએફ ઓફિસની પાછળ મૂકેલી બાઇક લેવા માટે ગયા ત્યારે બાઇક જણાઇ ન હતી. બે-ત્રણ દિવસ સુધી કોન્સ્ટેબલે બાઇકની શોધખોળ કરી છતાં તેનો પત્તો નહી લાગતા આખરે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, વડોદરા રેલવે સ્ટેશન પર એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસ તેમજ આરપીએફનો બંદોબસ્ત, પેટ્રોલિંગ છતાં પણ મુસાફરોનો કિંમતી સામાન ચોરી થતો હોય છે.