- અલ્હાદપુરા, બાકરોલ અને જેસંગપુરા, સુંદરપુરા, ધનિયાવી, વોરાગામડી અને ચિખોદ્રા ગામના લોકો વાંધા સૂચનો આપી શકશે
વડોદરા શહેરના પૂર્વ દક્ષિણ વિસ્તારમાં આવેલા વુડામાં સમાવિષ્ટ ગામોને સમાવતી ચાર ટીપી સ્કીમો તૈયાર કરવાનો ઇરાદો જાહેર કરાયા બાદ તા.૧ સપ્ટેમ્બરના રોજ જમીન માલિકો માટે જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, વુડા વિસ્તારમાં સમાવિષ્ટ સુંદરપુરા-ધનિયાવીમાં ૩૨૭ હેક્ટર તેમજ વોરાગામડીમાં ૩૨૨ હેક્ટર, ચિખોદ્રા-અલ્હાદપુરામાં ૪૯૮ હેક્ટર અને બાકરોલ, જેસંગપુરામાં ૨૯૫ હેક્ટર જમીન પર ટીપી સ્કીમો બનાવવાનો ઇરાદો જૂન મહિનામાં વુડાની મળેલી બોર્ડ બેઠકમાં જાહેર કરી સરકારમાં મોકલવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
વુડાની ઉપરોક્ત ગામોના વિસ્તારોને સમાવતી ટીપી સ્કીમ નંબર ૨૬ એ, બી અને સી ઉપરાંત ૨૮ ડીના જમીન માલિકો માટેની જાહેરસભાનું આયોજન વુડા દ્વારા કરવામાં આવ્યું છે. જમીન માલિકો ચારેય ટીપી સ્કીમોની વિગતો નિહાળ્યા બાદ તેમના વાંધાઓ રજૂ કરી શકશે અને તે વાંધાઓ બાદમાં સરકારમાં મોકલવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.
ટીપી સ્કીમ નંબર ૨૬ એ અને બી માટે બપોરે ૨-૩૦થી ૪-૩૦નો સમય રાખવામાં આવ્યો છે જ્યારે ટીપી સ્કીમ નંબર ૨૬ સી અને ૨૮ ડી માટે સવારે ૧૦-૩૦થી ૧૨-૩૦નો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ જાહેરસભા વુડાની ઓફિસ ખાતે મળશે.