વડોદરા આરોગ્ય ખાતાના કરાર આધારિત ભરતી માટે ઉમેદવારોની પ્રોવિઝનલી યાદી પ્રસિદ્ધ કરાઇ

554 વર્કરોમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ ફિલ્ડ વર્કરનો સમાવેશ કરાયો

MailVadodara.com - Provisional-list-of-candidates-for-contract-recruitment-of-Vadodara-Health-Department-published

- પાલિકાની વેબસાઇટ પર યાદી મુકાઇ, ઉમેદવારોએ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઇ કરાવી લેવા સૂચના, વેરિફિકેશન બાદ મેરીટ લીસ્ટ તૈયાર કરાશે

- પસંદગી પામેલા 554 વર્કરને અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવાશે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત ગુજરાત 2023 અભિયાન હેઠળ વાહક જન્ય રોગ અને પાણીજન્ય રોગ નિયંત્રણ લક્ષી વિવિધ ક્ષેત્રની કામગીરી માટે 11 મહિનાના કરાર આધારિત કુલ 554 વર્કરની ભરતી માટે કરવામાં આવેલી કામગીરી બાદ ગ્રાહ્ય રાખવામાં આવેલી અરજીઓના આધારે ઉમેદવારોની પ્રોવિઝનલ યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે. આ યાદીમાં જે ઉમેદવારના નામ હોય તેઓને વેબસાઈટ ઉપર દર્શાવેલા દિવસોમાં તેઓના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવી લેવા સૂચના અપાઈ છે. પ્રોવિઝનલી યાદી તારીખ 17થી ત્રણ દિવસ માટે મૂકવામાં આવી છે. 

આ અગાઉ 554 વર્કરની ભરતી માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવી હતી. આ અરજીઓ મળ્યા બાદ તેનું મૂલ્યાંકન કરીને ગેર લાયક ઠરેલા ઉમેદવારોની યાદી કોર્પોરેશનની વેબસાઈટ ઉપર મૂકવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પસંદગી પામેલા 554 વર્કરને કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવી દેવામાં આવશે. જે ભરતી કરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર અને 448 પુરુષ ફિલ્ડ વર્કરનો સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પબ્લિક હેલ્થ વર્કર માટે 6402 અરજી મળી હતી. જેમાંથી 2,702 ગેર લાયક ઠરી હતી, એ જ પ્રમાણે ફિમેલ હેલ્થ વર્કર માટે 6402 અરજી મળી હતી અને તેમાંથી 4,013 ગેરલાયક થઈ હતી. કુલ બંને મળી 6715 અરજી ગેરલાયક રહી હતી. હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની કામગીરી સોમવારથી શરૂ થશે તેવી સંભાવના છે. વેરિફિકેશન બાદ સ્ક્રુટીની કરી લાયકાત વગેરે ધ્યાનમાં રાખીને મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે અને તેના આધારે  પસંદગી થશે. 

હાલ 11 માસના કરાર આધારિત ચાલુ હેલ્થ વર્કરોની મુદત જૂન માસમાં પૂર્ણ થાય તે પૂર્વે નવા 554 હેલ્થ વર્કરોનું પસંદગીનું કાર્ય પૂર્ણ કરી દેવામાં આવશે. અગાઉ મેલ અને ફીમેલ બંને હેલ્થ વર્કર માટે કુલ 12,804 અરજીમાંથી 6,089 અરજી માન્ય રહી હતી. જે હેલ્થ વર્કરો ફરજ પર લેવાશે તેઓ દ્વારા વાહક જન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરવાની રહેશે.

Share :

Leave a Comments