- દૂષિત પાણી આવતુ હોવાની પાલિકાને જાણ કરવા છતા હજી કોઈ નિરાકરણ નહિ આવતા રહીશો ત્રસ્ત, ઓનલાઇન ફરિયાદ કરી છતાં અધિકારી જોવા ન આવ્યા
શહેરના મકરપુરા ગામમાં આવેલા વણકરવાસમાં છેલ્લા 15 દિવસથી ડ્રેનેજનું પાણી આવતું હોવાની ફરિયાદ સાથે રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગંદા પાણીને કારણે ઘરે ઘરે લોકો બીમાર હોવાના આક્ષેપ સાથે ચોખ્ખું પાણી આપવાની માગ કરી છે.
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે ત્યારે શહેરના પૂર્વ વિસ્તાર બાદ હવે દક્ષિણ ઝોનમાં પણ ગંદું પાણી મળતું હોવાની બૂમો ઊઠી છે. દક્ષિણ ઝોનમાં મકરપુરા ગામમાં આવેલા વણકરવાસમાં છેલ્લા 15 દિવસથી ગંદું પાણી આવી રહ્યું છે. દૂષિત પાણી આવતું હોવાની પાલિકાની અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજદીન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે સ્થાનિક લોકોએ એકત્ર થઈ તંત્ર સામે ભારે સૂત્રોચારો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે, દુર્ગંધ અને ફીણવાળું પાણી આવતું હોવાથી તેનો પીવા કે વાપરવા માટે ઉપયોગ કરી શકાતું નથી અને નાણાં ખર્ચી પાણી લાવવું પડે છે. ગંદા પાણી મુદ્દે બે દિવસથી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છે, પણ ન તો કોઈ અધિકારી જોવા આવ્યા છે કે ન તો કોઈ કોર્પોરેટરે મુલાકાત લીધી છે.
તેઓએ નારાજગી ઠાલવી વધુમાં કહ્યું કે, 1 કલાક પાણી આવે છે, જેમાં 25 મિનિટ સુધી તો દુર્ગંધ સાથે ફીણવાળું પાણી આવતાં રસોઈ બનાવવામાં ઉપયોગ કરી શકાય તેમ નથી. બાકીની 25 મિનિટ જે પાણી આવે છે તે પીવાથી ઘરે ઘરે બાળકો બીમાર પડી રહ્યાં છે. જેથી સમસ્યાનું સમાધાન કરી અપાય.