ભાયલી કેનાલ પર 72 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજની કામગીરીને લઈ સ્થાનિકો દ્વારા વિરોધ

મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છેનાં બેનરો લાગતા તંત્રમાં દોડધામ

MailVadodara.com - Protest-by-locals-over-the-construction-of-the-bridge-on-Bhayli-Canal-at-a-cost-of-72-crores

- સ્થાનિક લોકોએ ખોટા ખર્ચા બંધ કરો નારા સાથે બ્રીજનો વિરોધ પ્રદર્શન કર્યું

- રહીશે કહ્યું, આ બ્રિજની કોઈ જરૂર નથી, 12 ફૂટ પહોળી કેનાલ પર બ્રિજને બદલે નાનું નાળુ કે સાયફન બનાવી શકાય, આ રોડ 30 મીટર પહોળો છે, જયાં ટ્રાફિક દબાણો નથી

- 72 કરોડનો ખર્ચ શા માટે કરાય છે? પ્રાથમિક પ્રશ્નો છે, તે હલ કરવાની જરૂર છે


વડોદરા શહેરના ભાયલીમાં રોડ કનેક્ટિવિટી માટે નર્મદાની નાની બ્રાંન્ચ કેનાલ ઉપર સનફાર્મા-ભાયલીને જોડતા કેનાલ બ્રિજનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે. આજે ભાયલીના રહીશોએ દેખાવો કર્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

આ દરમિયાન વડોદરામાં ભાજપ કાર્યાલયના તકતી અનાવરણ પ્રસંગે પ્રદેશના નેતાઓ આવવાના હોવાથી ક્રાંતિકારી સેનાએ વાસણા-ભાયલી બ્રિજના વિરોધમાં બેનરો લગાવ્યા હતા. મળેલી માહિતી પ્રમાણે, શહેરની કલેક્ટર ઓફિસ સામે અને વાસણા રોડ પર બેનરો લગાડવામાં આવ્યાં છે. `મોદી સાહેબ તમારા બનાવેલા નેતા લોકોને ઉલ્લુ બનાવે છે', જનતા વોટ આપે, જનતા વિરોધ કરે, તો નેતાઓ શું કરશે?' લખાણ સાથેનાં બેનરો લગાડવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.

વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરમાં સમા, વૃંદાવન ચાર રસ્તા, ખોડિયાર નગર, સોમા તળાવ અને વાસણા રોડ જંક્શન ઉપર નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વાસણા રોડ જંક્શન ઉપર ફ્લાયઓવર બ્રિજ તેમજ ભાયલીમાં કેનાલ ઉપર બ્રિજ બનાવવા સામે સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

તાજેતરમાં પણ સ્થાનિક લોકો દ્વારા ફ્લાયઓવર બ્રિજના વિરોધમાં બેનરો લગાડવામાં આવ્યાં હતાં. બેનરોમાં જણાવ્યું છે કે, અમે ફ્લાયઓવર બ્રિજનો વિરોધ કરીએ છે. જો આ બ્રિજ બનાવવામાં આવશે તો કોઇ રાજકીય નેતાઓએ આગામી ચૂંટણીમાં વોટ માંગવા આવવું નહીં. સ્થાનિક લોકોએ વાસણા જંક્શન ઉપર બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવર બ્રિજને બિનજરૂરી ગણાવી વિરોધ કરવામાં આવ્યો છે.


આ મામલે સ્થાનિક મનિષાબેન રાઠોડે જણાવ્યું હતું કે, ભાયલી કેનાલ ઉપર બ્રિજની જરૂર જ નથી. આ નાણાંનો વેડફાટ છે અને અનેક મુશ્કેલીમાં વધારો થશે. અમે અગાઉ રજૂઆત કરી ચૂક્યા છીએ. જો બ્રિજનું કામ બંધ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતાં ખચકાશું નહીં. 

ભાયલીના રહેવાસી કેતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ બ્રિજની કોઈ જરૂર નથી, 12 ફૂટ પહોળી કેનાલ પર મોટો બ્રિજ કરવાને બદલે નાનું નાળુ કે સાયફન બનાવી શકાય. આ રોડ 30 મીટર પહોળો છે, જયાં ટ્રાફિક દબાણો નથી. બીજે જયાં રોડ પર ટ્રાફિક થાય છે અને દબાણો ઊભા થયા છે તે હટાવવાની જરૂર છે. 72 કરોડનો ખર્ચ શા માટે કરાય છે? ભાયલીના જે પ્રાથમિક પ્રશ્નો છે, તે હલ કરવાની જરૂર છે.  બ્રિજનું કામ બંધ ન થાય તો ઉગ્ર આંદોલન થશે. એક મહિલાએ પણ જણાવ્યું હતું કે, કેનાલ પર બ્રિજની જરૂર નથી. આ નાણાંનો વેડફાટ છે. બ્રિજની પરેશાની વધશે.

Share :

Leave a Comments