- વિશ્વામિત્રી બચાવ સમિતિએ મેયરને કરી રજુઆત
શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા વુડા સર્કલ પાસે થતાં ટ્રાફિકજામની સમસ્યાનું નિવારાણ લાવવા મુદ્દે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા મેયરને લેખિતમાં રજૂઆત કરી છે.
વડોદરા વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યોનું કહેવું છે કે, વડોદરામાં ગુજરાતનો સૌથી લાંબો અટલ બ્રીજ શરુ થતાં જ શહેરના પૂર્વ વિસ્તારના જેમ કે આજવા રોડ, વાઘોડિયા રોડ, સયાજીપુરા તેમજ એક્સપ્રેસ હાઇ-વે, હરણી એરપોર્ટ રોડ અને સમા-સાવલી રોડ તરફથી આવતા લોકોને કારેલીબાગ તેમજ જુના પાદરા રોડ તરફ જવા અને આવવા માટે અત્યંત સરળ થઇ ગયું છે. જાે કે અટલ બ્રીજ ઉપરથી જુના પાદરા રોડ જવા કે આવવા માટે ઉપર જણાવેલા તમામ વિસ્તારોના વાહનો વુડા સર્કલ પરના ચારેય રસ્તાના જંકશન ઉપરથી આવી ભેગો થઇને ફત્તેગંજ તરફ થઇ જુના પાદરા રોડ તરફનો માર્ગ માત્ર સરળ વિકલ્પ છે. પરંતુ આ વાહનોની સરળ અવરજવરને વુડાસર્કલનો ટ્રાફિક ચક્કાજામ વિઘ્નરૂપ થઇ ગયું છે. રોજેરોજ વુડા સર્કલ પાસે ટ્રાફિક ચક્કાજામ થઇ જાય છે.
વુડા સર્કલ જંકશનના ચારેય રસ્તામાંથી ત્રણ રસ્તા તો પહોળા છે પરંતુ માત્ર એક રસ્તો જે સમાના મંગલપાંડે રોડ તરફ કેટલીક બિલ્ડીંગના રોડ ઉપરના કરાયેલા દબાણોને કારણે અત્યંત સાંકળો રહી ગયેલો દેખીતા જોઈ શકાય છે. અમો મોટાભાગના રોજબરોજ મંગલપાંડે રોડ ઉપર અવરજવર કરતા હોઈ અમોએ કોર્પોરેશનમાં તપાસ કરતા આ મંગલપાંડે રોડ ૧૮ મીટરની પહોળાઈ ધરાવતો હોવાનું રેકોર્ડ ઉપર છે, જેમાં રોડ વચ્ચે ડીવાઈડર હોવાથી એક તરફનો રસ્તો જે ૯ મીટરનો હોવો જોઈએ તે ક્રોમા સ્ટોરવાલા બિલ્ડીંગના દબાણને કારણે માત્ર ૪ થી ૫ મીટરની પહોળાઈનો જ બચ્યો છે.
સમા તરફથી વગર વુડા જંકશન ઓળંગે સીધા ડાબી તરફ એરપોર્ટ તરફ જનારા પણ ક્રોમા સ્ટોરવાળા બિલ્ડીંગના દબાણને કારણે ટ્રાફિકમાં અટવાઈ રહે છે. ક્રોમા સ્ટોરથી લઇને મંગલપાંડે રોડ ઉપરની વિશ્વામિત્રી નદીના બ્રીજ સુધીના બિલ્ડીંગમાં આવેલા દુકાનો અને ખાણીપીણીના સ્ટોર પર આવેલા ગ્રાહકોના વાહનો પણ રોડ ઉપર પાર્કિંગ કરેલા હોય છે જેથી એક તો બિલ્ડીંગનું દબાણ અને પાર્કિંગ નહિ હોવાથી બિલ્ડીંગમાં આવતા ગ્રાહકોની ગાડીઓનું પણ દબાણ થતા ટ્રાફિક ચક્કાજામના દ્રશ્યો સર્જાય છે. આ વુડા સર્કલ ઉપર તાત્કાલિક સારવાર માટે દર્દીઓને લઇ જતી સતત સાયરન વગાડતી એમ્બ્યુલન્સ પણ ઘણો સમય ગંભીર બીમાર દર્દી સાથે ટ્રાફિક માં ફસાઈ ઉભી રહેતી જોવા મળે છે. આ ઉપરાંત કારેલીબાગ, સમા અને ફત્તેગંજ માં આવેલી શાળાઓ માં સાયકલ લઇ ને જતા વિદ્યાર્થીઓ ને પણ મોટો જીવલેણ અકસ્માત નો ભય ઉભો થયેલો છે. કદાચ ચાલતા રાહદારી માટે તો ક્રોમા બિલ્ડીંગ પાસે ફૂટપાથ પણ નહિ રહેવા દેવાતા ચાલતા પસાર થવું અસંભવ અથવા જીવનું જોખમ થઇ ગયેલું છે તદુપરાંત આ ગીચ ટ્રાફિક ધરાવતા વુડા સર્કલ નું જંકશન ઓળંગી સામે જવું બીકુલ મુશ્કેલ થઇ ગયેલું છે.
આજ રીતે મંગલપાંડે રોડ ઉપર આવેલા અગોરાસીટી સેન્ટર દ્વારા પણ રોડ ઉપર લગભગ ત્રણ મીટર જેટલું દબાણ કરી દીધેલ છે. મંગલપાંડે રોડ ઉપર અગોરાસીટી સેન્ટરવાળાએ ડ્રેનેજના મેઈન હોલ ચેમ્બરોને જાણે ડાઈનીંગ ટેબલ બનાવેલ હોયતેવા બનાવી રોડ ઉપર દબાણ કરેલું છે. આખા મંગલપાંડે રોડ ઉપર ફૂટપાથ પણ બનાવેલો નથી જેથી રાહદારીઓ માટે અત્યંત જોખમ ઉભું થયેલું છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે અગોરા સીટી સેન્ટરના દબાણને કારણે ત્યા જ ત્રણ જેટલા જીવલેણ અકસ્માતો સર્જાયેલા છે.આ દબાણોને કારણે શાળાના વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનને જીવનું જોખમ પણ ઉભું થયું છે. તાત્કાલિક અસરથી અગોરા સીટી સેન્ટરના દબાણો પણ દુર કરવા અમારી વિનંતી છે. વુડા સર્કલ જંકશન પાસે આવેલા વુડા બિલ્ડીંગ દ્વારા પણ રોડ ઉપર લોખંડની જાળીઓ મારીને પણ રોડ ઉપર દબાણ કરેલું જણાય છે. જે મુક્તાનંદ-કારેલીબાગથી ફત્તેગંજ તરફ વગર વુડા સર્કલનું જંકશન ઓળંગે ડાબી તરફ જનારા વાહનોને પણ ઘણો સમય ટ્રાફિકમાં ફસાઈ રહેવું પડે છે.
આ સાથે અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક વુડાસર્કલ જંકશન પાસેના ચારેય તરફથી આવતા રસ્તાઓ ઉપરના તમામ દબાણો દુર કરી, વુડા સર્કલને થોડુંક નાનું બનાવી, વુડા બિલ્ડીંગ પાસેના વળાંક ઉપરનું દબાણ દુર કરી, નગરજનોની વુડા સર્કલ જંકશન ઉપરની ટ્રાફિક ચક્કાજામની સમસ્યાનું નિવારણ કરી, રાહદારીઓ, શાળાના વિદ્યાર્થીઓ, તાત્કાલિક સેવા ધરાવતી એમ્બ્યુલન્સ સેવાઓ સહીત તમામ નગરજનોના સરળ પરિવહન માટે તેમજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા ગુજરાતના સૌથી મોટા ફ્લાયઓવર બ્રીજ અટલ બ્રીજનો લાભ લઇ તેના પરથી પરિવહન કરી જલ્દી અને સરળતાથી અને વિના વિઘ્ને નિયત સ્થાને નગરજનો પહોચી શકે તેવી વ્યવસ્થા કરવા યોગ્ય પગલા લેવા અમારી વિનંતી છે.