વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં બંધ મકાનમાં ત્રાટકેલ અજાણ્યા તસ્કરો સોના ચાંદીના ઘરેણાં, રોકડ રકમ, ડોલર સહિતની મત્તા સાથેનું ગોદરેજનું લોકર ચોરી ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ મહારાષ્ટ્રના રહેવાસી અને હાલમાં તરસાલી વિસ્તારમાં આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા સંજયભાઈ રાજભોજ છોટાઉદેપુર ખાતેની ખાનગી સંસ્થામાં એડમીન તરીકે નોકરી કરે છે. તેમના પત્ની તથા સાસુ કેનેડા ગયા હોવાથી ઘરે એકલા હતા. 14 ડિસેમ્બરના રોજ તેઓ વહેલી સવારે મકાનને લોક કરી રાબેતા મુજબ છોટાઉદેપુર નોકરી ઉપર ગયા હતા.
બીજા દિવસે સંબંધીએ ફોન કરી તેમને ચોરી થયાની જાણ કરી હતી. જેથી તેઓ વડોદરા દોડી આવી તપાસ કરતા અજાણ્યા તસ્કરો મુખ્ય દરવાજાનો નકુચો તોડી સામાન વેરવિખેર કરી કબાટમાંથી ગોદરેજનું લોકરની ચોરી કરી ફરાર થઈ ગયાનું બહાર આવ્યું હતું. જે લોકરમાં સોનાની ત્રણ ચેઇન, સોનાના બે હાર, સોનાની બુટ્ટી, સોનાની બંગડી, અગત્યના ડોક્યુમેન્ટ, ડેબિટ કાર્ડ, અન્ય બેંક લોકરની ચાવી તથા ચોરીમાં ગયેલ દાગીનાના બિલ, રોકડા રૂપિયા 5 હજાર તથા કેનેડિયન ડોલર સહિત કુલ રૂપિયા 1.58 લાખ ઉપરાંતની મત્તા હતી.