- પ્રોજેક્ટ થકી 40 થી વધુ મહિલાઓ અસુરક્ષીત વિકલ્પને ત્યજી સુરક્ષીત વિકલ્પ અપનાવ્યો
- હાલ પ્રોજેક્ટ `પેડ સેફ'નો પ્રથમ તબક્કો શરૂ કરાયો, કુલ 150 થી વધુ મહિલાઓને સુરક્ષીત કરાશે
શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ફૂટપાથ પર રહેતી મહિલાઓના માસીક (પીરીયડ્સ) આરોગ્યને ધ્યાને રાખીને પ્રોજેક્ટ પેડ સેફ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓને એક વર્ષ સુધી જરૂરીયાતથી વધારે સેનેટરી પેડ નિ:શુલ્ક આપવામાં આવશે. આ પ્રોજેક્ટ થકી શ્રવણ સેવા ફાઉન્ડેશન મહિલાઓને પીરીયડ્સ દરમિયાન સુરક્ષીત અને સલામત વિકલ્પ પુરો પાડી રહ્યો છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના નિરવ ઠક્કર જણાવે છે કે, અમારી ટીમ દ્વારા કરાયેલા સર્વેમાં પ્રોજેક્ટ પેડ સેફ થકી 40થી વધુ મહિલાઓએ અસુરક્ષીત વિકલ્પને ત્યજી સુરક્ષીત વિકલ્પ અપનાવ્યો છે. જે અમારા માટે ગર્વની વાત છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના ઇશા શિર્કે, શૈલી શાહ, દેવાંશી તંબોલી અને માનસી હિંગુલ જણાવે છે કે, અમારી ટીમ શ્રવણ સેવા ફાઉન્ડેશનમાં જમવાનું આપવાની એક્ટીવીટીમાં હતી. દરમિયાન અમારા ધ્યાને આવ્યું કે, ફૂટપાથ પર રહેવા મજબૂર મહિલાઓ પાસે પીરીયડ્સ દરમિયાન કોઇ સુરક્ષીત વિકલ્પ ન હોવાના કારણે તેઓ તેમની પાસે ઉપલબ્ધ અને બિનઆરોગ્યપ્રદ ઉપાયો કરી રહ્યા છે. તેમને આ સ્થિતીમાંથી બહાર લાવવા માટે અમે પ્રોજેક્ટ પેડ સેફ અંગેનો વિચાર રજૂ કર્યો હતો. જેને તુરંત મંજૂરી મળતા અમે કામે લાગ્યા હતા.
વધુમાં તમામ જણાવે છે કે, આ પ્રોજેક્ટ પૂરો કરવા માટે અમારી ટીમે એક અઠવાડિયાના સમયમાં કુલ મળીને 100 કલાકનું શ્રમદાન કર્યું છે. જેમાં પ્રથમ શહેરના રેલવે સ્ટેશન, કમાટીબાગ, લાલબાગ, વિશ્વામિત્રી, ફતેગંજ અને જેલરોડ વિસ્તારમાં ફર્યા હતા. અહિંયા હાજર 51 મહિલાઓ સાથે મળીને તેમના પર સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
અમારા સર્વેમાં ધ્યાને આવ્યું કે, 86 ટકા એટલે કે 40 થી વધુ મહિલાઓ પીરીયડ્સ દરમિયાન કાપડનો ઉપયોગ કરી રહી છે. જેનો ઉપયોગ અસુરક્ષીત છે. અને તેમને જરૂરીયાત પ્રમાણે, દર મહિને પ્રતિવ્યક્તિ 15 પેડ્સની જરૂરીયાત છે. આ સાથે જ સર્વેમાં ઉંમર, જગ્યા, હાલમાં પીરીયડ્સ દરમિયાન ઉપયોગ કરતી વસ્તુઓ, સેનેટરી પેડ્સની જરૂરીયાત, તેનો યોગ્ય નિકાલ જેવા સવાલોને સમાવવામાં આવ્યા હતા.
સર્વેના આધારે ટીમે મહિલાઓને આગામી એક વર્ષ સુધી સેનેટરી પેડ્સ નિ:શુલ્ક આપવા પ્રોજેક્ટ પેડ સેફ શરૂ કર્યો છે. પ્રતિ વ્યક્તિ મહત્તમ 15 સેનેટરી પેડ્સ આપવામાં આવશે. આ સાથે જ તેનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, તેને ક્યારે બદલવું અને તેનો યોગ્ય નિકાલ કેવી રીતે કરવો તે પણ સમજાવવામાં આવ્યું છે.
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નિરવ ઠક્કર જણાવે છે કે, ટીમ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું કે, પ્રોજેક્ટ પેડ સેફ થકી 86 ટકા મહિલાઓ અસુરક્ષીત વિકલ્પને ત્યજી સુરક્ષીત વિકલ્પ અપનાવશે. જે અમારા માટે ગર્વની વાત છે.
મોટા ભાગની મહિલાઓ પીરીયડ્સ દરમિયાન સુરક્ષીત વિકલ્પ અપનાવવા તૈયાર
ઇશા શિર્કે, શૈલી શાહ, દેવાંશી તંબોલી અને માનસી હિંગુલએ જણાવ્યું કે, અમારા સર્વેમાં એક સારી વાત એ ધ્યાને આવી કે, મોટા ભાગની મહિલાઓ પીરીયડ઼્સ દરમિયાન સુરક્ષીત વિકલ્પ અપનાવવા ઇચ્છે છે. તેઓ સુરક્ષીત વિકલ્પ અંગે અજાણ હોવાથી અથવા તો તેઓની આર્થિક સ્થિતી ખુબ જ કથળેલી હોવાના કારણે તેઓ સુરક્ષીત વિકલ્પ અપનાવી શકતા ન હતા. પરંતુ પ્રોજેક્ટ પેડ સેફ આ સમસ્યાનું આગામી એક વર્ષ સુધી સમાધાન આપતું રહેશે.
હાલ પ્રોજેક્ટ પેડ સેફ નો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, કુલ 150 થી વધુ મહિલાઓને સુરક્ષીત કરાશે
શ્રવણ સેવા ફાઉન્ડેશનના નિરવ ઠક્કર જણાવે છે કે, ફૂટપાથ પર જીવન વ્યતિત કરતા લોકોને સંસ્થા દ્વારા પોણા ત્રણ વર્ષથી ભોજનસેવા પૂરી પાડવામાં આવી રહી છે. અમે તેમનું જીવન ધોરણ સુધારવા માટે સતત પ્રયત્નશીલ છે. હાલ પ્રોજેક્ટ પેડ સેફનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 50 મહિલાઓને સમાવવામાં આવી છે. જે પૈકી 40થી વધુ મહિલાઓએ અસુરક્ષીત વિકલ્પ ત્યજીને સુરક્ષીત વિકલ્પ પસંદ કર્યો છે. આગામી સમયમાં તબક્કાવાર રીતે અન્ય મહિલાઓને પણ પ્રોજેક્ટ અંતર્ગત સમાવવામાં આવશે. આગામી સમયમાં 150થી વધુ મહિલાઓને પીરીયડ્સ દરમિયાન સુરક્ષીત વિકલ્પ આપવાનું અમારૂ આયોજન છે.