- તરસાલીના નવનીત પાર્કમાં રહેતા મિતુલ ભટ્ટે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી
સોશિયલ મીડિયા પર શેર માર્કેટની લોભામણી જાહેરાતોમાં ફસાયેલા ખાનગી કંપનીના મેનેજરે 7.50 લાખ રૂપિયા ગુમાવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના તરસાલીના નવનીત પાર્કમાં રહેતા અને ખાનગી કંપનીમાં ફરજ બજાવતા મિતુલભાઈ ભટ્ટે પોલીસને કહ્યું છે કે, નવેમ્બર 2023માં ફેસબુક પર શેરબજારની એક જાહેરાત જોઈને ગ્રુપ જોઈન્ટ કર્યું હતું. અનિતા સિંગ નામની મહિલા ગ્રુપ હેન્ડલ કરતી હતી અને તેમાં ટીપ પ્રમાણેના શેર ઉપર કોણે કેટલી આવક મેળવી છે તેની માહિતી મૂકવામાં આવતી હતી. આ ગ્રુપમાં એક લિંક હતી જે ક્લિક કરતા એક એપ ખુલી હતી અને તેમાં મારું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું. આ એકાઉન્ટમાં મારી વિગતો તેમજ બેંક ડીટેલ મૂકવામાં આવી હતી તેમજ શેર ખરીદવા રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ દરમિયાનમાં અનિતા સિંગે મને મોતીલાલ ઓસ્વાલનો આઇપીઓ ભરવા માટે સજેશન આપ્યું હતું. મેં શેર ભરવા સંમતિ આપતા અનિતા સિંગે રૂપિયા 1,00,000 ભૂલથી ભરાઈ ગયા હોવાનું કહી 50,000 શેર એલોટ થયા છે તેમ કહ્યું હતું.
મિતુલભાઈએ ફરિયાદમાં કહ્યું છે કે, મારી પાસે રૂપિયા 20.80 લાખની માંગણી કરવામાં આવતી હતી પરંતુ આ રકમ મારાથી ભરપાઈ થાય તેમ નહીં હોવાથી અનિતા સિંગ એ મને 50% રકમ ભરવા હું મદદ કરીશ તેમ કહ્યું હતું. પરંતુ બાકીની રકમ ભરવા પણ મારી તૈયારી નહીં હોવાથી અનિતા સિંગએ મને સેબીના નિયમ પ્રમાણે દંડ અને આજીવન કેદની સજાની ધમકી આપી હતી. તેણે મને એક સહી-સિક્કાવાળો લેટર પણ મોકલ્યો હતો. રકમની વારંવાર ઉઘરાણી થતા મને શંકા ગઈ હતી અને સાયબર ફ્રોડ થયો હોવાનું જણાતા મેં સાયબર સેલને જાણ કરી હતી. આમ છતાં મને હજી સુધી 7.50 લાખ રૂપિયા પરત મળ્યા નથી. જેથી સાયબર સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.