- કેદી અશરફ રાજ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જમ્પ કરી 7 મહિનાથી ફરાર થઇ ગયો હતો
સગીરા પર દુષ્કર્મના કેસમાં આજીવન સજા દરમિયાન પેરોલ જમ્પ કરીને વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 7 મહિનાથી ફરાર થઈ ગયા બાદ બીજી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ કરવાના ગુનામાં આરોપીની મકરપુરા પોલીસે ધરપકડ કરી છે. આ મામલે મકરપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
26 મે 2024ના રોજ રાત્રિના સમય દરમિયાન 13 વર્ષની સગીરાનું આરોપી અપહરણ કરીને લઇ ગયો હતો અને સગીરા ઉપર 2થી 3 વખત દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન મકરપુરા પોલીસે આરોપી અશરફ અભેસીંગ રાજ (ઉં.વ.24, રહે. કપુરાઇ બ્રિજ નીચે ખુલ્લામાં, વડોદરા, મૂળ રહે. બગદાદનગર, આંકલાવ ગામ, આંબલી રોડ, તા. આંકલાવ. જિ. આણંદ)ની ધરપકડ કરી છે.
મકરપુરા પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી અશરફ રાજે અગાઉ વર્ષ 2021માં પણ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હતું અને આ અંગે આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાયો હતો. જે ગુનામાં આંકલાવ પોલીસે આરોપી અશરફ રાજની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. આ દરમિયાન કેસ ચાલી જતા કોર્ટે દોષિત અશરફ રાજને આજીવન કેદની સજા ફટકારી હતી. કેદી અશરફ રાજ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયો હતો. આ દરમિયાન કેદી અશરફ રાજે ફરીથી વધુ એક સગીરાને શિકાર બનાવી હતી અને વડોદરાની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.