- રસ્તા પરના ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના હંગામી, કાયમી દબાણો દૂર કરાયા
- રક્ષિતકાંડ બાદ જાગેલા તંત્ર સામે લોકોએ અંબાલાલ પાર્ક પાસેનું શાકભાજી માર્કેટ કાયમી દૂર કરવા માંગ કરી હતી
- સ્થાનિકોની આ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા માંગ
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોળીની રાત્રે બનેલી અકસ્માતની ગોઝારી ઘટના બાદ વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ ત્રણ રસ્તા ઉપરના ટ્રાફિકને અડચણરૂપ લારી-ગલ્લાના હંગામી અને કાયમી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રક્ષિતકાંડ બાદ જાગેલા તંત્ર સામે લોકોએ અંબાલાલ પાર્ક પાસેનું શાકભાજી માર્કેટ કાયમી દૂર કરવા માંગ કરી હતી.
હોળીની રાત્રે બનેલા અકસ્માત બાદ આજે પાલિકાની દબાણ શાખાની ટીમ કારેલીબાગ પહોંચી હતી અને સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ ત્રણ રસ્તા સુધીના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરતાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. દબાણ શાખાની ટીમ સાથે ટ્રાફિક પોલીસ પણ જોડાઇ હતી અને રોડ ઉપર પાર્ક કરવામાં આવેલા વાહનોના માલિકોને મેમો આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ્રપાલી કોમ્પલેક્ષ પાસે હોલિકા દહનની રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ સ્થાનિકો દ્વારા આ રોડ પર સ્પીડ બ્રેકર મુકવા તથા દબાણો દુર કરવાની માંગ કરી હતી. જેના ભાગરૂપે આજે સવારે પાલિકાની દબાણ શાખાની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી અને ટ્રાફિકને અડચણરૂપ લારીઓ સહિતનો 3 ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો હતો.
જો કે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે, પેટ્રોલ પંપ પાસે સાંજના સમયે મોટું શાકમાર્કેટ ભરાય છે. આ શાકમાર્કેટના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જાય છે. અગાઉ અનેક વખત આંદોલન કરવામાં આવ્યું છે. પરંતુ, પાલિકા દ્વારા આ શાકભાજી માર્કેટનો કાયમી ઉકેલ લાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. હોળીની રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ તંત્ર રાબેતા મુજબ જાગ્યું છે. સાંજના સમયે આ દબાણ દૂર કરવાની જરૂરિયાત હતી. પરંતુ પાલિકા સવારે કામગીરીનો દેખાડો કરવા આવી ગયું છે. આજે સવારે સંગમ ચાર રસ્તાથી આમ્રપાલી કોમ્પલેક્ષ સુધીના દબાણો દુર કરવા માટે પાલિકાની દબાણ શાખાની ટીમો પહોંચતી હતી. જેમાં રોડ સાઇડ મુકવામાં આવેલા લારી, ગલ્લા તથા શેડના દબાણો દુર કરવામાં આવી હતા. આ કાર્યવાહી સમયે કોઇ અનિચ્છનીય ઘટના ના બને તે માટે હથિયાર ધારી પોલીસનો સ્ટાફ સાથે રાખવામાં આવ્યો હતો.
સ્થાનિક લારી ઘારકે જણાવ્યું હતું કે, હું પાલિકાની પાવતી નિયમિત રીતે ભરું છું. છતાંય તેઓ મારી લારી લઇ ગયા છે. હવે હું શું કરું તે ખબર નથી પડતી. આ ઉપરાંત અન્ય વેપારીઓએ પણ પાલિકાની આજની કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સંગમ ચાર રસ્તાથી મુક્તાનંદ ત્રણ રસ્તા અને મુક્તાનંદ ત્રણ રસ્તાથી વુડા સર્કલ સુધીના માર્ગ ઉપર સાંજ પડતાં ખાણીપીણીની લારીઓ, શાકભાજી બજાર સહિતના વેપારીઓ વેપાર કરવા માટે લારીઓ ઉભી કરી દેતા હોય છે. પરિણામે આ રોડ ઉપરથી વાહનો લઇને નિકળવું પણ મુશ્કેલ થઇ જાય છે. મુક્તાનંદ ત્રણ રસ્તાથી વુડા સર્કલ સુધીના માર્ગ ઉપર ખાણીપીણી માટે આવતા લોકો અડધા રોડ ઉપર પોતાના વાહનો પાર્ક કરી દેતા હોવાથી રોજ ટ્રાફિક જામ થઇ જાય છે. ત્યારે આ રોડ ઉપર ગમે ત્યારે ભયંકર અકસ્માત સર્જાવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.