- સામાન વેચતી એક મહિલાએ ભારે રોષ ઠાલવ્યો, જપ્ત કરેલા સામાનને બચાવવા ખેંચતાણ
શહેરના હાથીખાનાથી કારેલીબાગને જોડતા રોડ ઉપર શુક્રવારી બજાર ભરાય છે. આ બજારને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ જતી હોય છે. આજે પાલિકાની દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરવા પહોંચતા વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. સામાન વેચતી એક મહિલાએ ભારે રોષ ઠાલવ્યો હતો. તો કેટલાક જપ્ત કરેલા સામાનને બચાવવા ખેંચતાણ કરી હતી. વેપારીઓ અને દબાણ શાખા વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું.
ઉલ્લેખનીય છે કે, હાથીખાનાથી કારેલીબાગને જોડતા મુખ્ય માર્ગ ઉપર ભરાતા શુક્રવારી બજારમાં જુનો-નવો ઘરવખરી સામાન, જુનું-નવું ફર્નિચર સહિત વિવિધ પ્રકારની એન્ટીક ચિજવસ્તુઓ વેચાય છે. શુક્રવારે ભરાતા આ બજારમાં શહેરના ખૂણે-ખૂણેથી લોકો જરૂરીયાત મુજબની ચિજવસ્તુઓ ખરીદવા માટે આવે છે. કેટલાક એન્ટીક ચિજવસ્તુઓના શોખીનો વહેલી સવારે ખરીદી કરવા માટે ઉમટી પડતાં હોય છે. આજે શુક્રવારે ભરાયેલા બજારમાં ભારે ભીડ જામી હતી, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી. વાહનો લઇને નિકળવું લોકોને મુશ્કેલ થઇ ગયું હતું. દરમિયાન લોકોએ ફરિયાદ કરતાં પાલિકાની દબાણ શાખાની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી હતી. દબાણ શાખાની ટીમ પહોંચતા જ દબાણકારોમાં નાસભાગ મચી ગઇ હતી.
મળેલી માહિતી પ્રમાણે, દબાણ શાખાએ દબાણરૂપ સામાન જપ્ત કરતાં એક મહિલા સહિત અન્ય વેપારીઓએ વિરોધ કરી જપ્ત કરેલો સામાન બચાવવા ખેંચતાણ કરી મૂકી હતી. એક મહિલાએ તો રોડ ઉપર દબાણ શાખા સામે તાળીઓ વગાડી રોષ ઠાલવ્યો હતો. બજારમાં માલસામાન વેચવા આવતા વેપારીઓને દબાણ શાખાની ટીમે રોડ ઉપર દબાણ ન કરવાની સલાહ આપી રવાના થઇ ગઇ હતી. જોકે, પાલિકાની દબાણ શાખાએ કામગીરી બતાવવા કેટલોક પરચૂરણ સામાન જપ્ત કરી પાલિકાના સ્ટોર રૂમમાં જમા લીધો હતો.